ઈલોન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલ (tax-and-spending bill) પર તીખી ટિપ્પણી કરી છે.
મસ્કે ચેતવણી આપી કે, આ બિલ અમેરિકાની પહેલાંથી જ વિશાળ બજેટ ખાધને વધારીને 2.5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડી દેશે, જેનાથી દેશ પર અસ્થિર દેવાનો ભાર વધુ વધશે.

અમેરિકાના અબજપતિ બિઝનેસમેન અને ટેક્નોલોજી જગતના દિગ્ગજ ઈલોન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલ (tax-and-spending bill) પર તીખી ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈલોન મસ્કે આ બિલને વાહિયાત જણાવતા કહ્યું કે, આ ખાધને વધારશે.
આ સાથે જ મસ્કે લખ્યું કે, ‘માફ કરજો, પરંતુ હું હવે સહન નથી કરી શકતો… આ કોંગ્રેસનું ખર્ચથી ભરેલું, વાહિયાત અને શરમજનક બિલ છે. જે લોકોએ તેના પક્ષમાં મતદાન કર્યું, તેને ખુદ પર પણ શરમ આવવી જોઈએ. કારણ કે, તેઓ જાણે છે કે, તેમણે ખોટું કર્યું છે.’
મસ્કે ચેતવણી આપી કે, આ બિલ અમેરિકાની પહેલાંથી જ વિશાળ બજેટ ખાધને વધારીને 2.5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડી દેશે, જેનાથી દેશ પર અસ્થિર દેવાનો ભાર વધુ વધશે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ ઈલોન મસ્કે ‘ગવર્નમેન્ટ એફિશિઅન્સી વિભાગ’ (DOGE)ના ચીફ પદથી રાજીનામું આપી દીધું હતું, જેની જવાબદારી દેશના ખર્ચને ઘટાડવાની હતી. તેમણે આ બિલથી પણ પોતાના સ્પષ્ટરૂપે અલગ કરી દીધા છે.
વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં કેરોલીન લેવિટે ઈલોન મસ્ની ટીકાને વધુ મહત્ત્વ ન આપતા કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પહેલાંથી જ જાણતા હતા કે, મસ્ક આ બિલને લઈને શું વિચારે છે, પરંતુ ઈલોન મસ્કના આ પગલાંથી ટ્રમ્પનો વિચાર નહીં બદલાય. ટ્રમ્પ આ બિગ બ્યૂટીફુલ બિલ સાથે ઊભા છે. જણાવી દઈએ કે, આ બિલને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આર્થિક નીતિની કરોડરજ્જૂ જણાવી છે. જોકે, મસ્કે તેને અનિયંત્રિત ખર્ચનું પ્રતિક જણાવ્યું છે.
ઈલોન મસ્કે 2024માં ચૂંટણી અભિયાન માટે 250 મિલિયન ડૉલરથી વધુનું દાન કર્યું હતું. ત્યારબાદ તેમને DOGE નામની પહેલ લીડ કરવા તેમના પ્રમુખ બનાવાયા હતા, પરંતુ હવે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. DOGEનો હેતુ સરકારી બિનજરૂરી ખર્ચને ખતમ કરવાનો હતો.