રાજકોટ, સુરત, વડોદરા સહિત ગુજરાતનાં આ જિલ્લામાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ,
દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે ,

છેલ્લાં ઘણાં સમયથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે હવે ફરી ગુજરાતમાં મેઘરાજાની રિએન્ટ્રી થવા જઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે (7 જૂન) રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, બીજી બાજુ પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ બાજુની રહેશે. હવામાં ભેજના કારણે અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ , દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. બીજીબાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પણ વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીના કારણે દરિયાખેડૂઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.