મોરબી,ટંકારા હોટલમાં જુગારની રેડ ના તોડના ગુનામાં તત્કાલીક્ન પીઆઇની ધરપકડ કરવામાં આવી ,
ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધાયેલ હતો જેમાં મહિપતસિંહ સોલંકીને અગાઉ પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

ટંકારાના લજાઈ પાસે આવેલ હોટલમાં જુગારની રેડ બાદ કરવામાં આવેલ 51 લાખ રૂપિયાના તોડના ગુનામાં તત્કાલીક્ન પીઆઇની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીએ કરેલ તોડની રકમની રિકવરી સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કમ્ફર્ટ હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ આરોપીઓના નામ અને ફોટો પ્રેસમાં નહીં આપવાના સહિતની બાબતે જુગાર રમતા પકડાયેલ શખ્સો પાસેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી દ્વારા 51 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો.
જે અંગેની ઉચ્ચકક્ષાએ કરવામાં આવેલ રજૂઆતો બાદ આ અંગેની તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી અને તે તપાસના અંતે પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ગુનો નોંધાયેલ હતો જેમાં મહિપતસિંહ સોલંકીને અગાઉ પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
હાલમાં પીઆઇ વાય.કે.ગોહિલની આદિપુરથી ધરપકડ કરવામાં આવ્યા બાદ તપાસનીસ અધિકારી ડીવાયએસપી વી.વી.રબારીએ 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે તેને મોરબીની કોર્ટમાં રજૂ કરેલ ત્યારે સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલેખનીય છે કે, ગત ડિસેમ્બર માહિનામાં એસએમસીના અધિકારી પીઆઇ વાય.કે.ગોહિલ અને હેડ કોન્સટેબલ મહિપતસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાવેલ હતી જો કે, તે મળી નહીં આવતા આરોપી પીઆઇ લાંબા સમયથી ફરાર હોય તેને 30 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે કોર્ટે આદેશ કર્યો હતો જો કે, તે સમય મર્યાદામાં ત્યાં હાજર થયેલ ન હતા અને એસએમસીની ટીમે ચોકકસ બાતમીના આધારે આદિપુર ખાતે તેના ઘરેથી જ તેની ધરપકડ કરેલ છે.
છેલ્લા 175 દિવસથી નાસતા ફરતા પી.આઈ. વાય.કે. ગોહિલની કચ્છના આદિપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે જો કે, આટલા સમય દરમ્યાન તે કચ્છ અને અમદાવાદ જીલ્લામાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તેને કોને આશરો આપ્યો હતો તે દિશામાં તપાસ કરશે તેમજ તેનું લેપટોપ અને મોબાઈલ ફોન કબજે લેવામાં આવશે.
આટલું જ નહીં પરંતુ જુગારની રેડ બાદ કરવામાં આવેલ તોડની રકમ 51 લાખ રૂપિયાની રિકવરી કરવા માટેની પણ કાર્યવાહી તપાસનીસ ડીવાયએસપી વી.વી. રબારી દ્વારા કરવામાં આવશે.
ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 12 લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને 63.15 લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને બે ડ્રાઈવર સહિત કુલ મળીને નવ આરોપીને પકડવામાં આવેલ હતા.
જેમાં ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિમલભાઈ રામજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાનો સમાવેશ થતો હતો અને રજનીકાંત ભરતભાઈ દેત્રોજા નામના શખ્સને પકડવાનો બાકી બતાવેલ હતો.
જે શખ્સો જુગાર રમતા પકડાયેલ હતા તેમાં બે આરોપીના નામ ફરિયાદમાં જાણી જોઈને ખોટા લખવામાં આવેલ હતા તેમજ પ્રેસમાં નામ કે ફોટો નહીં આપવાના તેવું કહીને જુગાર રમતા પકડાયેલા શખ્સો પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને તેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા. આ અંગેની ગુજરાતના પોલીસ વડા સુધી રજૂઆત પહોચી હતી ત્યાર બાદ તત્કાલિન પીઆઇ અને હેડ કોન્સટેબલ સામે ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરેલ છે.