પાકિસ્તાનની જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને 11 જૂને જામીન મળવાની શક્યતા ,
190 મિલિયન પાઉન્ડના અલકાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન અને પત્ની બુશરાજા સજા સ્થગિત કરવાની માંગ પર સુનાવણી થશે

પાકિસ્તાનની જેલમાં બંધ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં 11 જૂને જામીન મળવાની શક્યતા છે. તેમની પાર્ટીના એક ટોચના નેતાએ એક નિવેદન આપ્યું છે.
ઇસ્લામાબાદ હાઇકોર્ટ 11 જૂને 190 મિલિયન પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીની સજા સ્થગિત કરવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરવા જઈ રહી છે. ઇમરાન ખાન ઓગસ્ટ 2023 થી અનેક કેસોમાં અદિયાલા જેલમાં બંધ છે.
ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ના વડા ગૌહર અલી ખાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 11 જૂન ઇમરાન ખાન અને તેમની પત્ની બંને માટે મહત્વપૂર્ણ દિવસ બનવાનો છે. આ અગાઉ ઇસ્લામાબાદ હાઇકોર્ટે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં અરજીઓની સુનાવણી 11 જૂન સુધી મુલતવી રાખી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, રાષ્ટ્રીય જવાબદારી બ્યુરો દ્વારા દલીલો તૈયાર કરવા માટે વધારાનો સમય માંગવામાં આવતા સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી.
પીટીઆઈના વડા ગૌહર અલી ખાને શનિવારે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે પીટીઆઈ વિપક્ષી પક્ષો સાથે મળીને એક આંદોલન શરૂ કરશે. જેનું નેતૃત્વ ઇમરાન ખાન જેલમાંથી કરશે.
તેમણે દેશના અસ્તિત્વ અને સુરક્ષા માટે વિપક્ષી પક્ષોને પીટીઆઈમાં જોડાવા વિનંતી કરી અને જણાવ્યું કે આગામી બજેટ માટેની વ્યૂહરચના નક્કી થઈ ગઈ છે. તેમણે કહ્યું, પાર્ટી આ સંદર્ભમાં 9 જૂને એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.