ગુજરાત

કચ્છના પ્રકરણના પડઘા ગાંધીનગરમાં :સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા પોલીસની જ ઈકોનોમીક ઓફેન્ડર વિંગમાં પડાયેલા દરોડા પછી મામલો વધુ ગરમ બન્યો ,

લંડનથી પરત આવતા તુર્તજ ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી ડીજીપી વિકાસ સહાયની હાજરીમાં સ્ટેટ મોનેટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય લો એન્ડ ઓર્ડરના એડી.ડીજીની રાજકુમાર પાંડીયન અને ઈન્ચાર્જ ડીજીપી અજય ચૌધરી સાથે બેઠક કરી

ગુજરાતમાં ચાલુ માસમાં જ રાજયના પોલીસવડા વિકાસ સહાય નિવૃત થઈ રહ્યા છે અને તેમને એકસટેન્શન મળશે કે પછી નવા સીનીયર પોલીસ અધિકારીને ડીજીપી તરીકે પસંદ કરાશે તે ચર્ચા વચ્ચે રાજયમાં પોલીસના બે મહત્વના વિભાગો ટેક મોનેટરીંગ સેલ અને ઈકોનોમીક ઓફેન્ડર વિંગ વચ્ચેની ટકકર અને તેમાં સીનીયર આઈપીએસ અધિકારીઓ જે રીતે ટકરાયા.

તે મુજબ ગઈકાલે રાજયના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ચાર ટોચના પોલીસ અધિકારીઓના કલાસ લઈને તેમને આ પ્રકારના વિવાદમાં ન પડવા તાકીદ કરી છે.

ગુજરાત પોલીસમાં લાંબા સમયથી જે ચર્ચામાં હતી તે ઘટનામાં હવે અચાનક જ ઉફાણો આવતા હર્ષ સંઘવીને લંડનથી પરત આવતા તુર્તજ દરમ્યાનગીરી કરવી પડી હતી. આ વિવાદ કયારે શરુ થયો કે જયારે ટેક મોનેટરીંગ સેલ દ્વારા એક આશ્ચર્યજનક પગલામાં પોલીસની ઈકાનોમીક ઓફેન્ડર વિંગની ઓફીસમાં જ દરોડો પાડવામાં આવ્યો.

આ અંગે એક નોંધવામાં આવેલી અથવા તો નોંધવાની ફરજ પડી હતી તેવી ફરિયાદના આધારે એકશન લેવાયા હતા. રાજયમાં પોતાના કામમાં નામના મેળવનાર સ્ટેટ મોનેટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય કે જેઓ સીધા ડીજીપી વિકાસ સહાયને જ રિપોર્ટીંગ કરે છે તેના દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની સામે ઈકોનોમીક ઓફેન્ડર વિંગમાં જબરો આક્રોશ સર્જાયો હતો.

આ અંગે છેલ્લા કેટલાક દિવસથી અખબારી અહેવાલોની પણ જબરી ચર્ચા હતી તે વચ્ચે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી કે જેઓ વિદેશમાં હતા તેઓ પરત આવીને તુર્તજ ડીજીપી વિકાસ સહાય સ્ટેટ મોનેટરીંગ સેલના વડા અને ડીઆઈજી નિર્લિપ્ત રાય લો અને ઓર્ડર સંભાળતા એડીશ્નલ ડીજીપી રાજકુમાર પાંડીયન તથા ઈન્ચાર્જ એડી.ડીજીપી અજય ચૌધરીની બેઠક બોલાવી હતી.

સમગ્ર ઘટનામાં કચ્છ સ્થિત એક કેમીકલ બીઝનેસમેનની ફરિયાદ રહેલી છે. એડી. ડીજીપી અજય ચૌધરીએ તેના પરથી એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો હતો અને તેના કારણે પોલીસ બેડામાં જબરો ખળભળાટ મચી ગયો હતો જેમાં એસપી રેન્કના એક આઈપીએસ અધિકારી કે જેઓ હાલ સાઈડ લાઈન પોસ્ટીંગમાં છે જેઓએ ફરિયાદમાં વચેટીયાની ભૂમિકા ભજવી હતી.

આ એસપી ભૂતકાળમાં ઉતરગુજરાતના એક જીલ્લામાં પણ વિવાદમાં સપડાયા હતા. પરંતુ બાદમાં તેમને કલીનચીટ મળી હતી. માનવામાં આવે છે કે તેમના સંબંધો અને છેક ઉતરપ્રદેશ સુધીની પોલીટીકલ લીન્કના આધારે કલીનચીટ મળી હતી.

આ જ અધિકારીએ હવે ઉતરપ્રદેશ કેડરમાં જવા માટે કેડર ટ્રાન્સફરની અરજી કરી છે. પરંતુ હવે આ સમગ્ર પ્રકરણમાં તેની ભૂમિકાના કારણે તેમની અરજી મંજુર રખાશે કે કેમ તે પ્રશ્ન છે.

પરંતુ આ પ્રકરણે ગુજરાત પોલીસમાં જે ફોલ્ટલાઈન અથવા તો જે જૂથવાદ છે તેને સપાટી પર લાવી દીધો છે અને ગૃહ રાજયમંત્રીની ચિંતા પણ તે જ હતી. જેમાં હવે આગળ કઈ રીતે કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.

ગુજરાત પોલીસમાં જે વિવાદ સર્જાયો છે તેના મૂળમાં એક પેનડ્રાઈવ હોવાનું માનવામાં આવે છે અને સૂત્રોના જણાવ્યા મુજબ જુનીયર કક્ષાના બે અધિકારીઓએ સીઆઈડી ક્રાઈમના વડા પરિક્ષીતા રાઠોડ કે જેઓ ડીઆઈજી રેન્ક ધરાવે છે તેમની ઓફિસમાં જઈને પેન્ડીંગ અરજી અંગે પુછપરછ કરી હતી અને તેની સાથે ગાંધીનગરના એક પ્રોજેકટ સાથે સંકળાયેલી પેનડ્રાઈવ માંગી હતી.

આ પેનડ્રાઈવ સીઆઈડીની કસ્ટડીમાં લાંબા સમયથી છે અને તેથી જ ડીઆઈજી પરિક્ષીતા રાઠોડે પોતે આ પેનડ્રાઈવ અંગે કંઈ જાણતા હોવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ માનવામાં આવે છે કે આ પેનડ્રાઈવ કેટલાક અધિકારીઓ માટે અત્યંત મહત્વની છે.

આ સમગ્ર મામલો વડોદરા સ્થિત એક બીઝનેસમેનની ફરિયાદ કે જેમાં વિદેશી કંપનીને સાંકળતા રૂા.15 કરોડના ફ્રોડ બાબતે છે અને જુનીયર અધિકારીઓ દ્વારા ડીઆઈજી રેન્કના અધિકારીની ઓફીસમાં જઈ પુછપરછ કરવી તે મુદો પણ ચગ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button