ગુજરાત

તા.15 ના લોકરક્ષક કેડરની કુલ 12000 જેટલી વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરેલ છે.

એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવાશે, ઓનલાઈન બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરની કુલ 825 શાળાઓમાં પરીક્ષા યોજાશે, 8 હજાર પોલીસ જવાનો અને શિક્ષણ વિભાગના 18 હજાર કર્મી કામગીરી સંભાળશે , 

 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી આવતીકાલે તા.15 ના લોકરક્ષક કેડરની કુલ 12000 જેટલી વિવિધ જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરેલ છે. જાન્યુઆરી – ફેબ્રુઆરી 2025 દરમ્યાન યોજવામાં આવેલ શારીરિક કસોટીમાં 10.73 લાખ જેટલા ઉમેદવારો પૈકી લોકરક્ષક કેડરના ઉતિર્ણ થયેલ કુલ 2,47,803 ઉમેદવારોની આ લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતેની કુલ-825 શાળાઓમાં સીસીટીવીની નિગરાની હેઠળ યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર તા.07/06/2025 થી ડાઉનલોડ કરવાનું શરૂ થયેલ છે.

આ પરીક્ષા પારદર્શક રીતે યોજાય અને કોઇપણ જાતની ગેરરિતી ન થાય તે માટે 8 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ અને 18 હજારથી વધુ શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવેલ છે.

લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક-ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા વેરીફીકેશન કરવામાં આવનાર છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને જીપીએસ મારફતે ટ્રેક કરી, રાજય ભરતી કંટ્રોલરૂમ કરાઇ ખાતેથી મોનીટરીંગ કરવામાં આવશે અને પોલીસ એસ્કોર્ટ રાખવામાં આવેલ છે.

સરકારશ્રીના ગૃહવિભાગના જાહેરનામા મુજબ  પરીક્ષા ઓએમઆર પધ્ધતિમાં હશે અને 200 પ્રશ્નો, 200 ગુણ, સમય 3 કલાકનો રહેશે. જેમાં પાર્ટ-અ માં 80 પ્રશ્નો, 80 ગુણ અને પાર્ટ-ઇ માં 120 પ્રશ્નો, 120 ગુણ હશે. પરીક્ષામાં ઉતિર્ણ થવા માટે બંને પાર્ટમાં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવવાના રહેશે.

તમામ શહેર-જિલ્લા ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નર-રેન્જ વડાના સુપરવિઝન હેઠળ તેમજ આઈજીપી ડીઆઈજીપી અને એસપી કક્ષાના સિનીયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવનાર છે.

પરીક્ષાનો સમય 09/30 થી 12/30 સુધી છે. પરંતુ, પરીક્ષા પહેલા ઉમેદવારોનું બાયોમેટ્રીક /ફોટોગ્રાફ વેરીફીકેશન કરવાનું હોવાથી કોલલેટરમાં 07/30 વાગે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા જણાવેલ છે. જેથી ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી જાય તે હિતાવહ છે.

ઉમેદવારોને પરીક્ષા સ્થળ સુધી પહોંચવા માટે એસ.ટી. વિભાગને વિનંતી કરવામાં આવેલ અને તેને ધ્યાને લઇ,  માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા.14 અને તા.15 દરમ્યાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે.

ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ એસ.ટી. નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button