હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન પક્ષકાર ટોયલેટમાં બેઠા બેઠા લાઈવ-ટેલીકાસ્ટમાં જોડાયો ,
ગુજરાત હાઇકોર્ટમાં થયેલી એક સુનાવણી દરમિયાન એક પક્ષકાર કુદરતી હાજતે જવાના ટોયલેટ સીટ ઉપરથી ઓનલાઇન સુનાવણીમાં જોડાતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું અને આ બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કેસની વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટમાં બે અરજદારોએ પોતાની સામે થયેલી ફરિયાદ રદ કરવા અરજી કરી હતી. જે 20 જૂન, 2025ના રોજ જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં ઉપસ્થિત થઈ હતી.
આ કેસની કાર્યવાહી પહેલા ફરિયાદી અબ્દુલ સમદ પોતાના ફોનથી હાઇકોર્ટની સુનાવણીમાં ઓનલાઇન જોડાયો હતો. જેને યુટ્યુબ ઉપર જોઈ શકાતો હતો. જેમાં સુરતનો અબ્દુલ સમદ ટોઇલેટમાં બેઠેલો જોવા મળે છે. હાલ આ વીડિયો વાઇરલ થયો છે.
અબ્દુલ સમદ બેટરી અને ઇન્વર્ટરનું કામ કરે છે. તે નમાઝ પઢવા કિમ રેલવે સ્ટેશન પાસે આવેલ જુમ્મા મસ્જિદમાં ગયો હતો. ત્યારે દરવાજો ખોલતા એક આરોપીને દરવાજો વાગ્યો હતો.
ત્યાર બાદ આરોપી અને તેના ભાઈએ મળીને અબ્દુલ સમદને ગાળો આપી હતી અને માર મારીને ફરી મસ્જિદમાં નમાજ ન પઢવા આવવા ધમકી આપી હતી. જે મુદ્દે અબ્દુલ સમદે સુરતના કીમ પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થતા આરોપીઓએ ફરિયાદ રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે કોઈ ફરિયાદ રદ કરવાની હોય ત્યારે હાઇકોર્ટ ફરિયાદીને પૂછે છે કે શું તે આ ફરિયાદ રદ્દ કરવા માંગે છે?
જેથી જવાબ આપવા અબ્દુલ સમદ ઓનલાઈન હાઇકોર્ટમાં જોડાયો હતો. પરંતુ તેની અરજી ઉપર સુનાવણી થાય તે પહેલા જ કોર્ટ રૂમમાં તે ટોઇલેટમાં બેઠા બેઠા કનેક્ટ થયો હતો.
કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી દંડ ફટકારવામાં આવી શકે
આ દરમિયાન જ્યારે 64 નંબરની અરજી ઉપર સુનાવણી ચાલી રહી હતી. ત્યારે તે ટોઇલેટમાં હોવાની અને શૌચ ક્રિયા કરી હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું હતું. સામાન્ય રીતે આવા કેસો હાઇકોર્ટની કન્ટેમ્પ્ટ બેન્ચને રીફર કરવામાં આવે છે. જે આરોપીને દંડ ઉપરાંત સામાન્ય સજા પણ કરતી હોય છે. ત્યારે આ કેસમાં પણ હાઈકોર્ટ કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી આરોપીને દંડ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
અગાઉ કોર્ટ આવા કેસમાં એક વ્યક્તિને 02 લાખ રૂપિયા દંડ અને કોમ્યુનિટી સર્વિસની સજા તેમજ એક વ્યક્તિને 25 હજાર રૂપિયા દંડ કર્યો હતો. એક વ્યક્તિ પોતાના એક કેસમાં માર્ચ મહિનામાં સિંગલ જજની બેંચ સમક્ષ ટોઇલેટમાંથી ઓનલાઇન જોડાયો હતો. આ વ્યક્તિએ B.Scનો અભ્યાસ કર્યો હતો અને તે પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતો હતો. હવે આ નવો વિડીયો વાઇરલ થયો છે.