મુંબઇ આવી રહેલ ઇથોપીયન એરલાઇન્સની ફલાઇટમાં અચાનક જ હવાનું દબાણ ઘટયું : ઇમરજન્સી લેન્ડીંગ
કેબીન ક્રુ સહિતના 11 પ્રવાસીઓએ ફરિયાદ કરતા જ વિમાન 33 હજાર ફુટની ઉંચાઇએથી અત્યંત નીચે લવાયું

વિમાની સેવાઓ પર હાલ કોઇ માઠી બેઠી હોય તેવી સ્થિતિ છે. એર ઇન્ડિયા સહિતની વિમાની કંપનીઓને રોજ કોઇને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે વચ્ચે એડીસ અબાબાથી મુંબઇ આવેલી ઇથોપીયન એરલાઇન્સના બોઇંગ-787 ડ્રીમલાઇનર વિમાનમાં અચાનક જ હવાનું દબાણ ઘટી જવાની ફરિયાદ આવતા ઓછામાં ઓછા 7 મુસાફરોને અસર થઇ હતી અને વિમાનને મુંબઇ વિમાની મથકે ઇમરજન્સી વિમાન લેન્ડીંગ કરવું પડયું હતું જેમાં એક મુસાફરને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. કુલ છ ક્રુ મેમ્બર સહિત 11 મુસાફરોએ વિમાનમાં હવાનું દબાણ ઘટી ગયાની ફરિયાદ કરી હતી.
તેઓ અચાનક જ ગુંગળામણ જેવી સ્થિતિ અનુભવતા હતા અને વિમાન જોકે સદનસીબે મુંબઇ પહોંચવાની તૈયારીમાં જ હતું. બાદમાં ઇટીસી-640 ફલાઇટ કે જે 33,000 ફુટની ઉંચાઇએ હતું તેને તાત્કાલીક પાયલોેટે અત્યંત નીચે લાવી દીધુ હતું જેથી હવાનું દબાણ ઘટે તો પણ કોઇ ગંભીર મુશ્કેલી સર્જાય નહીં વિમાનને મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડીંગની મંજૂરી અપાઇ હતી અને તબીબી સારવારની તૈયારી રખાઇ હતી આ પ્રકારનું કેબીનમાં દબાણ ઘટવાની ઘટન ભાગ્યે જ બને છે.