આજથી કેટલાક નવા નાણાકીય નિયમો લાગુ થવા જઈ રહ્યા છે ; જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે ,
આજથી ટ્રેનના ભાડામાં વધારો, આધાર વિના નહી બને પાન કાર્ડ

આજથી એક નવો મહિનો એટલે કે જૂલાઈ 2025 શરૂ થઈ ગયો છે. આ મહિનો તેની સાથે કેટલાક ફેરફારો પણ લઈને આવ્યો છે. આજથી કેટલાક નવા નાણાકીય નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. આમાં પાન કાર્ડથી લઈને બેન્કિંગ, રેલ્વે ટિકિટ બુકિંગ, એટીએમ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આજથી કયા ફેરફારો કરવામાં આવ્યા છે.
આજથી રેલવે ટિકિટના ભાવમાં વધારો થયો છે. હવે એસી અને નોન-એસી બંને ટિકિટના ભાવમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. નોન-એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વેઇટિંગ ટિકિટની સંખ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક ક્લાસમાં કુલ બેઠકોની સંખ્યાના 25 ટકાથી વધુ માટે વેઇટિંગ ટિકિટ જાહેર કરવામાં આવશે નહીં.
પાન કાર્ડ માટે આધાર ફરજિયાત ,હવે પાન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બની ગયું છે. આ નિયમ પણ આજથી અમલમાં આવ્યો છે. પહેલા તમે કોઈપણ માન્ય દસ્તાવેજ અથવા જન્મ પ્રમાણપત્ર દ્વારા પાન કાર્ડ માટે અરજી કરી શકતા હતા.
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક (GSTN) એ 7 જૂન, 2025ના રોજ જાહેરાત કરી હતી કે માસિક GST ચુકવણી ફોર્મ GSTR-3B જૂલાઈ 2025થી સંપાદિત કરી શકાશે નહીં. આ ફેરફાર પણ આજથી અમલમાં આવ્યો છે. GSTN એ કહ્યું હતું કે કરદાતાઓને નિયત તારીખથી ત્રણ વર્ષ પૂરા થયા પછી GST રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ક્રેડિટ કાર્ડ માટે નવા નિયમો ,1 જૂલાઈથી HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થશે. થર્ડ પાર્ટી એપ દ્વારા HDFC ક્રેડિટ કાર્ડ ચુકવણી કરવા માટે લોકોએ 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. યુટિલિટી બિલ ચુકવણી પર પણ ચાર્જ લાગશે. જો યુઝર્સ આ કાર્ડ સાથે Dream11, Rummy Culture, MPL અને Junglee Games જેવા પ્લેટફોર્મ પર મહિનામાં 10,000 રૂપિયાથી વધુનો ઉપયોગ કરે છે, તો 1 ટકાનો ટેક્સ લાદવામાં આવશે. જો કોઈ વ્યક્તિ PayTM, Mobikwik, Freecharge અથવા Ola Money જેવા ડિજિટલ વોલેટ પર મહિનામાં 10,000 રૂપિયાથી વધુ રકમ અપલોડ કરે છે, તો તે વધારાની રકમ પર 1 ટકાનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે.
ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે ,1 જૂલાઈથી ICICI બેન્કના ATM સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. હવે ગ્રાહકો માટે આ બેન્કના ATMનો ઉપયોગ કરવો મોંઘો થઈ શકે છે. નવા નિયમો અનુસાર, મર્યાદાથી વધુ રોકડ ઉપાડવા પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. ATM પર 5 મફત ટ્રાન્જેક્શન ઉપલબ્ધ રહેશે. મેટ્રો શહેરોમાં આ મર્યાદા 3 ટ્રાન્જેક્શન હશે. જો તમે ફક્ત બેલેન્સ ચેક કરો છો અથવા બિન-નાણાકીય કાર્ય કરો છો, તો પ્રતિ ટ્રાન્ઝેક્શન 8.5 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.