દેશમાં વ્યાજદર ઘટાડાના હવામાન વચ્ચે સરકારે પીપીએફ સહિતની નાની બચત યોજનાઓના વ્યાજદર યથાવત રાખતા એક વિશાળ વર્ગ માટે મોટી રાહત
જુલાઈ - સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયમાં પીપીએફ - સુકન્યા સમૃદ્ધિ, સીનીયર સીટીઝન સહિતની યોજનાઓમાં હાલના વ્યાજદર વધુ ત્રણ માસ માટે ચાલુ રહે

દેશમાં વ્યાજદર ઘટાડાના હવામાન વચ્ચે સરકારે પીપીએફ સહિતની નાની બચત યોજનાઓના વ્યાજદર યથાવત રાખતા એક વિશાળ વર્ગ માટે મોટી રાહત આવી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ ચાલુ વર્ષમાં ત્રણ તબકકામાં 100 બેઝીસ પોઈન્ટ વ્યાજદર ઘટાડયો હતો તેના કારણે બેન્કોના થાપણના દરોમાં પણ મોટા ઘટાડા થઈ રહ્યા છે.
હજુ પણ આગામી મહિને આરબીઆઈ વ્યાજદર ઘટાડાનો એક નાનો ડોઝ આપી શકે છે તે વચ્ચે જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળા માટે સરકારે પોસ્ટઓફિસ સહિતની નાની બચત અને પીપીએફ તેમજ સુકન્યા સમૃદ્ધિ યોજના અને સીનીયર સીટીઝન સેવિંગ્ઝ સ્કીમ સહિત તમામના વ્યાજદર યથાવત રાખ્યા છે.
એક તબકકે પીપીએફનો વ્યાજદર 7 ટકા સુધી જશે તેવી ધારણા હતી. પરંતુ સરકારે આગામી સમયમાં હજુ ફુગાવાની સ્થિતિ કઈ બાજુ જઈ શકે છે તેના પર વ્યાજદરનો નિર્ણય મુલત્વી રાખ્યો છે. પોસ્ટઓફિસ સહિતની નાની બચત યોજનાના વ્યાજદર દર ત્રણ મહિને સમીક્ષામાં લેવામાં આવે છે.
ગઈરાત્રે સરકારે આ વ્યાજદર યથાવત હોવાનું જાહેર કર્યુ છે જેના કારણે વ્યાજ આવક પર જીવન નિર્વાહ ચલાવતા કરોડો કુટુંબ માટે હાલ રાહતની સ્થિતિ બની છે. બેંકોએ જો કે એફડીના વ્યાજદરમાં ઘટાડો શરૂ કર્યો છે અને સેવિંગ્ઝ ખાતાના વ્યાજદર પણ 2.5 ટકા જેવા નીચા ગયા છે.