બોમ્બે હાઈકોર્ટે આધાર કાર્ડના અભાવમાં ખાતુ ખોલવાનો ઈન્કાર કરનાર ખાનગી બેન્ક પ્રત્યે કડક વલણ ; આધારકાર્ડ વિના પણ બેંક ખાતુ ખોલી આપવુ પડે : હાઈકોર્ટ ,
ગ્રાહકને રૂા.50000નુ વળતર ચુકવવા બેંકને આદેશ

બોમ્બે હાઈકોર્ટે આધાર કાર્ડના અભાવમાં ખાતુ ખોલવાનો ઈન્કાર કરનાર ખાનગી બેન્ક પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે બેન્કને એકાઉન્ટ ન ખોલતા પરેશાન થયેલી મુંબઈની એક કંપનીને 50 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
જસ્ટીસ એમ.એસ.સોનક અને જસ્ટીસ જિતેન્દ્ર જૈનની બેન્ચે કહ્યું હતું કે, કંપની અનેક મહિનાઓ સુધી પોતાની સંપતિ ભાડે નથી આપી રહી, કારણ કે તેની પાસે સક્રિય બેન્ક એકાઉન્ટ નહોતુ. બેન્ચે કહ્યું કે, સુપ્રીમકોર્ટે બેન્કમાં ખાતુ ખોલવા માટે આધારકાર્ડની જરૂરિયાતને રદ કરી દીધી છે. આથી બેન્કને ખાતુ ખોલવા માટે કોઈ વાંધો નથી. બેન્ક માટે આધારકાર્ડ પર જોર દેવાનું કોઈ ઔચિત્ય નથી.
વિવાદની શરૂઆત જાન્યુઆરી 2018માં થઈ હતી, જયારે કંપનીએ કરંટ એકાઉન્ટ ખોલવા માટે બેન્કનો સંપર્ક કર્યો હતો. પરંતુ બેન્ક ખાતુ ખોલવા માટે આધારકાર્ડ માંગ્યુ હતું.
આથી કંપનીએ બેન્કને સુપ્રીમકોર્ટના એ આદેશની જાણકારી આપી હતી કે આધારકાર્ડ વિના ખાતુ ખોલી શકાય છે. તેમ છતાં બેન્કના વલણમાં કોઈ ફેરફાર નહોતો થયો. જેને લઈને કંપનીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી કે ખાતુ ન ખુલવાથી કંપનીને નુકસાન થયું હતું અને બેન્કને 10 લાખનુ વળતર આપવાની માંગ કરી હતી. અરજીને ધ્યાને લઈ બેન્ચે કહ્યું હતું કે કંપનીએ વળતરનો દાવો બઢાવી-ચઢાવીને કર્યો છે. પરંતુ કંપની રાહતની હકદાર છે એટલે બેન્ચે આઠ વીકમાં કંપનીને 50 હજાર રૂપિયાનું વળતર આપવાનો બેન્કને નિર્દેશ કર્યો છે.