આઠમા પગાર પંચ પુર્વેના આખરી મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત આગામી માસમાં કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકા વધારો થવાની ધારણા
જુનના ભાવાંક આવી ગયા બાદ આખરી નિર્ણય લેવાશે : હાલનું 55%નું મોંઘવારી ભથ્થુ વધીને 59% થઈ જશે

જુલાઈ મહિનો આવતા જ કેન્દ્ર અને રાજયના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના વધારાની ચર્ચા શરુ થઈ જાય છે અને આગામી એક કે બે માસમાં એટલે કે સાતમ-આઠમના તહેવારો પુર્વે જ સરકાર મોંઘવારી ભથ્થા વધારાનો લાભ આપશે તેવા સંકેત છે.
તે વચ્ચે જુલાઈથી ડિસેમ્બરના છ માસના સમયગાળા માટે મોંઘવારી ભથ્થુ ત્રણ થી ચાર ટકા વધશે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. છેલ્લે જાન્યુઆરીથી જૂનના સમયગાળા માટે બે ટકાનું મોંઘવારી ભથ્થા વધારાનો લાભ મળ્યો હતો પરંતુ હાલના જે આંકડા આવે છે તેના કારણે હાલ મળતુ 55 ટકાનું મોંઘવારી ભથ્થુ વધીને 58 થી 59 ટકા થઈ જશે.
કેન્દ્ર સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે અને તેમાં જથ્થાબંધ અને છુટક ભાવના આંકડા મુજબ વધારો-ઘટાડો કરે છે. છેલ્લા ત્રણ મહિનામાં જે ભાવાંક બહાર આવ્યા છે તેના કારણે ત્રણ થી ચાર ટકાનો વધારો નિશ્ચિત માનવામાં આવે છે.
નિષ્ણાંતો કહે છે કે, એક વખત જુનના આંકડા મળી જાય પછી તેના પર કાર્યવાહી શરુ થશે અને તે મુજબ ઓગષ્ટમાં અથવા સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત થશે. કર્મચારીઓને તેનો લાભ નિયમીત રૂપે મળે છે અને તે નવા પગારપંચની રચના સુધી ચાલુ રહેશે.
સરકારે આઠમા પગારપંચની રચનાની જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી તેના સભ્યો વગેરેની કોઈ જાહેરાત કરી નથી. માનવામાં આવે છે કે ભવિષ્યમાં તે જાહેરાત થયા બાદ પણ 2026ના મધ્યમાં તેનો રિપોર્ટ આવશે અને આગામી વર્ષના અંત સુધીમાં તેના પર નિર્ણય લેવાશે તેનો અમલ 2026થી થશે.