ગુજરાત

અમદાવાદ વિમાની દુર્ઘટના અંગે પ્રથમ તારણ ; વિમાનના બંને એન્જીન એકસાથે નિષ્ફળ ગયા ! પાયલોટે તમામ સિસ્ટમ રીપીટ કરી હતી ,

એકીસાથે તમામ ટેકનિકલ ક્ષતિઓ કેમ ભેગી થઇ તે જ સૌથી મોટો પ્રશ્ર્ન : વિમાનના ઇમરજન્સી ટર્બાઇનની ક્ષમતા રહી ન હતી કે તે પુરા વિમાનને હવામાં ઉંચકી શકે : લેન્ડીંગ ગીયર પાછા ખેંચવા અને વિંગફલેપને યોગ્ય કરવાનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો હતો

વિશ્વની સૌથી ભીષણ વિમાની દુર્ઘટનામાં સ્થાન મેળવનાર અમદાવાદની એર ઇન્ડિયાની ફલાઇટ જે 242 મુસાફરો સાથે રવાના થયાના થોડી જ મીનીટોમાં ધડાકાભેર જમીન પર તુટી પડી તેની પાછળ વિમાનના બંને એન્જીનો એક સાથે ફેઇલ ગયા હોય અને તેની સાથે સમગ્ર વિમાનની ઇલેકટ્રીક સિસ્ટમ પણ બંધ થઇ ગઇ હોય તેને પ્રથમ કારણ ગણાવવામાં આવ્યું છે અને ભાગ્યે જ આ બંને એક સાથે બને છે.

ઉપરાંત વિમાનમાં જે બેકઅપ ટર્બાઇન હોય છે તે પણ ચાલુ ન થઇ શકયું કારણ કે વિમાનની ઇલેકટ્રીક સિસ્ટમ  પૂર્ણ રીતે ભાંગી પડી હતી જેના કારણે એન્જીનને કોઇ પણ પાવર મળ્યો નહીં અને વિમાનને જમીનદોસ્ત થઇ ગયું. પ્રાથમિક રીતે ફલાઇટ સીમુલેટર પરથી આ માહિતી મળી છે. આ સીમુલેટર એ પાયલોટ વિમાનને ઉડાવવા માટે જે કંઇ પ્રક્રિયા કરે છે તે નોંધે છે અને તેમાં જણાવ્યું છે કે બંને પાયલોટે વિમાનને હવામાં લીધા કે તુર્ત જ લેન્ડીંગ ગીયર જે સ્થિતિમાં હોય છે.

તેને અંદર કરવા પ્રયત્ન કર્યો હતો. વિંગફલેપ કે જે વિમાનને હવામાં લેવા માટે નીચેથી હવાનું દબાણ સર્જાય તે માટે પાંખો જે પોઝીશનમાં હોવી જોઇએ તે મુકવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમ ન થતા ફરી એક વખત પુરા સેટીંગનું પુનરાવર્તન કર્યુ હતું પરંતુ પાયલોટને ખ્યાલ આવ્યો કે સિસ્ટમ કામ કરતી નથી વિમાનના લેન્ડીંગ ગીયરના દરવાજા જ ખુલ્યા નહીં જેનો અર્થ એમ થયો કે તેને વિજળી મળતી ન હતી અને તેથી હાઇડ્રોલીક સિસ્ટમ ફેઇલ ગઇ હોય તે નિશ્ચિત થયું અને વિમાનના બંને એન્જીને કામ કરવાનું બંધ કરી દીધુ હતું. આ સમગ્ર વિમાનની સિસ્ટમ જ ફેઇલ ગઇ હતી. સામાન્ય રીતે એકીસાથે આ પરિસ્થિતિ બનતી નથી.

આ ઉપરાંત પાયલોટે તુર્ત જ ઇમરજન્સી પાવર ટર્બાઇન શરૂ કરવાનો પ્રયત્ન કર્યો તે પણ સફળ થયા નહીં આમ એક પછી એક નિષ્ફળતા થોડી જ સેકન્ડ માં બનતી રહે પાયલોટે ‘મેડે’નો મેસેજ આપ્યો પણ કંટ્રોલ ટાવર કઇ કરી શકે તેવી સ્થિતિમાં ન હતું. ફલાઇટ સીમુલેટર એ પાયલોટને માટે એક ગાઇડ જેવું છે કે કોઇપણ સ્થિતિમાં શું કરવું તે માટે તેને માર્ગદર્શન આપે છે.

ઇમરજન્સી પાવર ટર્બાઇન વિમાનના પાછળના ભાગમાં હોય છે જે કોઇપણ પરિસ્થિતિમાં વિમાનને વીજળી પહોંચાડે છે પરંતુ તે પુરા વિમાનને હવામાં લઇ શકતું નથી ફકત થોડા સમય માટે વિમાનને ઇમરજન્સીમાંથી બહાર કાઢવા માટે તક આપે છે. આમ એક પછી એક ઘટનાએ સમગ્ર દુર્ઘટનાને અંજામ આપ્યો તેવું દર્શાવે છે.

ગત તા.12 જુનના રોજ અમદાવાદમાં સર્જાયેલી વિમાની દુર્ઘટનાની તપાસ પ્રક્રિયા શરુ થઈ ગઈ છે અને તેમાં ચોંકાવનારા તારણો પણ મળે તેવી ધારણા છે. હાલ ઈન્ડીયન એરક્રાફટ એકસીડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરો જે સ્વતંત્ર રીતે સમગ્ર તપાસનું નેતૃત્વ કરી રહી છે અને ભારતની વિવિધ એજન્સીઓ તથા એરઈન્ડિયા અને બોઈંગ કંપની બંનેને પણ તપાસમાં સામેલ કરી રહી છે.

તેમાં સૌપ્રથમ એ તારણ બહાર આવ્યુ છે કે વિમાને અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ પાયલોટ સુમીત સભરવાલ અને સહપાયલોટ કલાઈવ સુંદરે મેડે કોલ એરટ્રાફીક કંટ્રોલરને આપ્યો હતો.

પરંતુ તે સમયે વિમાન 625 ફુટ પ્રતિ મીનીટની સપાટીએ આગળ વધતુ હતુ અને મેડે કોલ મળ્યા ત્યારે તે 475 ફુટ પ્રતિ મીનીટ એ પહોંચ્યુ હતું અને એરટ્રાફીક કંટ્રોલરે તુર્તજ પાયલોટનો સંપર્ક કરવા કોશીશ કરી પરંતુ તેને કોઈ જવાબ મળ્યો ન હતો.

આમ પ્રથમ તારણ એ આવ્યુ છે કે મેડે કોલ અને દુર્ઘટના વચ્ચે ફકત 15 સેકન્ડ નો સમય જ રહ્યો હતો અને તેના કારણે એટીસીને કોઈ પ્રતિભાવ આપવાનો સમય પણ રહ્યો ન હતો. મેડે કોલનો અર્થ વિમાનને કોઈ પાવર મળી ન રહ્યો હોય તેવું પ્રસ્થાપિત થયુ છે અને વિમાનને ઉંચે લઈ જવા માટેના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ પ્રકારનું કોમ્યુનીકેશન એ સૌથી ઈમરજન્સીનો સમય ગણાય છે અને તેથી જ તેમાં કોઈ પ્રતિભાવનો સમય ભાગ્યે જ રહેતો હોય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button