ગુજરાત

ભરૂચ મનરેગા કૌભાંડમાં સાંસદ મનસુખ વસાવાનો મોટો ધડાકો: “વિપક્ષના નેતાઓએ પણ લીધા છે રૂપિયા ,

રાજકીય ભૂકંપના એંધાણ; એજન્સીએ આપેલા લિસ્ટમાં તમામ પક્ષના નેતાઓના નામ હોવાનો સાંસદનો દાવો, રાજ્યવ્યાપી CID તપાસની માંગ.

ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા મનરેગા કૌભાંડની તપાસ વચ્ચે આજે સાંસદ મનસુખ વસાવાએ એક મોટો અને સનસનાટીભર્યો ખુલાસો કરતા ભારે રાજકીય ભૂકંપ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જે વિપક્ષના નેતાઓ આ કૌભાંડ અંગે આક્ષેપો કરી રહ્યા છે, તેમાંથી જ કેટલાક ‘શાહુકાર’ બન્યા છે અને તેમણે પોતે પણ મનરેગાના રૂપિયા લીધા છે.

સાંસદ વસાવાનો સનસનાટીભર્યો ખુલાસો  સાંસદ મનસુખ વસાવાએ આજે મુક્ત મને વાત કરતા જણાવ્યું કે, મનરેગાનું કામ કરતી એજન્સીના માણસો તેમને મળ્યા હતા. તેમણે આ માણસોને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવી બધાની સામે એક મીટીંગ કરી હતી. આ મીટીંગ દરમિયાન, મનરેગાનું કામ કરનાર એજન્સીના માણસોએ તેમને એક લિસ્ટ બતાવ્યું, જેમાં “દરેક પક્ષના નેતાઓને રૂપિયા આપ્યા હતા” હોવાનો ચોંકાવનારો ધડાકો સાંસદે આજે કર્યો છે. આ ખુલાસાથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

સ્વર્ણિમ‘ એજન્સી અને રાજ્યવ્યાપી તપાસની માંગ ,આ કૌભાંડમાં સામેલ ‘સ્વર્ણિમ’ નામની એક એજન્સીનો પણ સાંસદે ઉલ્લેખ કર્યો છે. તેમણે માંગ કરી છે કે, આ એજન્સી દ્વારા મનરેગામાં કરાયેલા કામોની પણ સઘન તપાસ થવી જોઈએ. આ સાથે જ, મનસુખ વસાવાએ રાજ્ય સરકાર સમક્ષ સમગ્ર રાજ્યભરમાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોની દરેક જિલ્લામાં તપાસ કરવા માટે ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ની ટીમ નિમવાની માંગ કરી છે.

સાંસદના આ નિવેદનો બાદ, ભરૂચ જિલ્લા ઉપરાંત રાજ્યભરના રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્રસ્થાને આવ્યો છે. વિપક્ષી નેતાઓ પર સીધા રૂપિયા લેવાના આક્ષેપોને કારણે આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ અને રાજકીય પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે.

શું છે ભરૂચ મનરેગા કૌભાંડ? ભરૂચ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ યોજના અંતર્ગત કામો સોંપવા માટે એજન્સીઓને સામેલ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ, કેટલીક એજન્સીઓએ વાસ્તવમાં કોઈ પણ કામ કર્યા વિના માત્ર કાગળ પર બોગસ બિલો રજૂ કરીને ₹7 કરોડ 30 લાખની માતબર રકમનું કૌભાંડ આચર્યું હતું.

આ સમગ્ર કૌભાંડની વિગતો બહાર આવતા, ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 70થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા હતા.

પોલીસ તપાસના અંતે, આ કૌભાંડમાં સંડોવણી બદલ કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા, અને હાસોટ તાલુકા પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર રાજેશ ટેલર સહિત કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. તેમના રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં, તમામને ફરીથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં નામદાર કોર્ટે તમામ આરોપીઓને સબજેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button