ભાજપને મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે: નિર્મલા સીતારામન એ મહત્વનો ચહેરો બની શકે છે.
આગામી લોકસભા ચૂંટણીમાં મહિલા અનામતનો મુદ્દો મહત્વનો બની જવાની ધારણાથી મહિલાને અધ્યક્ષ બનાવી ભાજપ સરસાઈ મેળવવાની વ્યૂહમાં

દેશના સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ અને શાસક તરીકેનું ગૌરવ લેનાર ભારતીય જનતા પક્ષમાં જે રીતે નવા અધ્યક્ષની પસંદગીમાં છેલ્લા એક વર્ષથી નવી નવી તારીખ આવતી જાય છે તેમાં હવે પક્ષે તેના બંધારણ મુજબ 20થી વધુ રાજયોમાં નવા સંગઠનની રચના સાથે રાષ્ટ્રીય પ્રમુખની વરણી માટે બંધારણીય વિધ્ન પાર કરી લીધુ છે અને તે વચ્ચે રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે તે પણ પ્રશ્ન છે જેમાં હવે ભાજપ પ્રથમ વખત મહિલાને રાષ્ટ્રીય પ્રમુખની તક આપી શકે તેવા સંકેત છે.
વર્તમાન રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાનો કાર્યકાળ જાન્યુ. 2023માં પૂરો થઈ ગયો હતો પરંતુ લોકસભા ચૂંટણીના કારણે પક્ષે તેમાં જુન 2024 સુધીનું એકસ્ટેન્શન આપ્યું હતું પરંતુ તે બાદ પણ પક્ષ અનેક રાજયોની સંગઠનાત્મક ચૂંટણીઓ યોજી શકી નહી અને રાષ્ટ્રીય પ્રમુખનો કાર્યકાળ સતત લંબાતો રહ્યો પરંતુ હવે ચાલી માસમાં જ ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળે તેવી ધારણા છે અને તેમાં ત્રણ મહિલાઓના નામ ચર્ચામાં છે.
નિર્મલા સીતારામન
કેન્દ્રની મોદી સરકારમાં હાલ નાણા મંત્રી અને અગાઉ રક્ષા મંત્રી તરીકે કામકાજ કરનાર નિર્મલા સીતારામન લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ સંગઠનની પણ સારી સમજ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. મહત્વનું છે કે તેઓ દક્ષિણ ભારતમાંથી આવી રહ્યા છે અને ભાજપને દક્ષિણ ભારતમાં અત્યાર સુધી કોઈ મોટી સફળતા મળી નથી. કર્ણાટકમાં સત્તાનું આવાગમન થતું રહે છે. જયારે આંધ્રપ્રદેશમાં હાલ ચંદ્રાબાબુ નાયડુ સાથે ભાજપનું જે જોડાણ છે તેના કારણે ભાજપને આ રાજયમાં પ્રવેશની તક દેખાય છે. અને તેમાં નિર્મલા સીતારામન એ મહત્વનો ચહેરો બની શકે છે.
ડી.ડી. પુરંદેશ્વરી
આંધ્રપ્રદેશમાંથી જ આવતા ડી. પુરંદેશ્વરી અગાઉ આ રાજયમાં ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂકયા છે અને તેઓ દક્ષિણની તમામ ભાષાઓના જાણકાર છે એટલું જ નહીં અનેક રાજકીય પક્ષો સાથે તેઓ કામ કરી ચૂકયા છે. હાલમાં જ ઓપરેશન સિંદૂર સમયે તેઓને વિદેશી પ્રતિનિધિ મંડળના સભ્ય પણ બનાવાયા હતા અને તેઓ સારા વકતા પણ છે. આમ ભાજપ તેમના પર પસંદગી ઉતારી શકે છે.
વનાથી શ્રીનિવાસન
તામીલનાડુની કોયંબટુર દક્ષિણ બેઠક ઉપરથી ધારાસભામાં ચૂંટાયેલા વનાથી શ્રીનિવાસન અગાઉ ભાજપના રાષ્ટ્રીય મોરચાના અધ્યક્ષ રહી ચૂકયા છે અને તેઓ 1993થી ભાજપમાં કોઈને કોઈ સંગઠન પદ પર છે. એટલું જ નહીં 2022માં તેમને પક્ષની ચૂંટણી સમિતિના સભ્ય પણ બનાવાયા હતા. આમ તેઓ રાષ્ટ્રીય નેતૃત્વ સાથે પણ કામ કરી શકે છે અને ભાજપને તામીલનાડુમાં તેઓ ચહેરો બની શકે છે.
પક્ષના સુત્રોના જણાવ્યા મુજબ સંઘ પણ હવે ભાજપ કોઈ મહિલાને સર્વોચ્ચ પદ આપે તેની તરફેણમાં છે ખાસ કરીને 2029ની ચૂંટણીમાં 33 ટકા મહિલા અનામતનો અમલ થાય તે સમયે ભાજપને આ મુદો મહત્વનો બની જશે.