બિહાર વિધાનસભા ચૂંટણી બિહારમાં સીએમ પદની રેસમાં કોણ આગળ? સી – વોટરના આંકડા આંચકાજનક
સી-વોટરના જૂન 2025ના સર્વે મુજબ, RJD નેતા તેજસ્વી યાદવ 35 ટકા લોકોની પસંદ સાથે મુખ્યમંત્રી પદની રેસમાં હજુ પણ ટોચ પર છે. જોકે, તેમની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે.

આ વર્ષે (2025) બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. NDA તરફથી મુખ્યમંત્રી પદનો ચહેરો નીતિશ કુમાર છે, જ્યારે ઈન્ડિયા એલાયન્સ તરફથી તેજસ્વી યાદવ નિશ્ચિત મનાઈ રહ્યા છે.
પરંતુ, સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેમાં આવેલા આંકડાઓએ બધાને આશ્ચર્યચકિત કર્યા છે. ભલે તાજ કોણ પહેરશે તે ચૂંટણી પછી જ સ્પષ્ટ થશે, પરંતુ જનતાનો વર્તમાન મૂડ ઘણા સંકેતો આપી રહ્યો છે.
સી-વોટરના જૂન 2025ના સર્વે મુજબ, RJD નેતા તેજસ્વી યાદવ 35 ટકા લોકોની પસંદ સાથે મુખ્યમંત્રી પદની રેસમાં હજુ પણ ટોચ પર છે. જોકે, તેમની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે.
ફેબ્રુઆરીમાં તેમની લોકપ્રિયતા 41% હતી, એપ્રિલમાં તે ઘટીને 36% થઈ અને હવે જૂનમાં તે વધુ ઘટીને 35% પર આવી ગઈ છે. આ 6 ટકાનો ઘટાડો તેજસ્વી યાદવ માટે ચોક્કસપણે ચિંતાનો વિષય બન્યો છે.
બીજી તરફ, મુખ્યમંત્રી નીતિશ કુમારની લોકપ્રિયતામાં થોડો સુધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરીમાં 18 ટકા લોકોએ તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા, એપ્રિલમાં આ આંકડો 15% સુધી ઘટ્યો હતો, પરંતુ જૂનમાં તે ફરી 17 ટકા સુધી વધી ગયો છે.
સૌથી મોટો આશ્ચર્યજનક ખુલાસો જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરના પ્રદર્શનનો છે. આ સર્વેમાં તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં બીજા ક્રમે ઉભરી આવ્યા છે. ફેબ્રુઆરીમાં તેમની લોકપ્રિયતા 15 ટકા હતી, જે એપ્રિલમાં વધીને 17% અને જૂનમાં 18% થઈ ગઈ છે.
આ દર્શાવે છે કે, પ્રશાંત કિશોર આ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી શકે છે અને તેઓ હવે મુખ્યમંત્રી પદની રેસમાં જનતાની બીજી પસંદગી બની ગયા છે.