લોકમેળો કેવો રહેશે ;યાંત્રીક રાઈડ્સ તો ઠીક, સ્ટોલ વેચવાના પણ ફાંફા 238 સામે માત્ર 27 સ્ટોલના ફોર્મ ભરાયા
SOP ના મામલે રાઈડ્સ સંચાલકો દ્વારા CMO, ગૃહમંત્રી, યાંત્રીક વિભાગના સચીવ સહિતને રજૂઆત પણ છૂટછાટ આપવામાં તંત્ર નિષ્ક્રીય : ચગડોળ વગર જ લોકમેળો યોજવા વહીવટી તંત્ર દ્વારા કવાયત

રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમીતી દ્વારા આગામી તા.14 ઓગષ્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલ જન્માષ્ટમીના ભાતીગળ પાંચ દિવસીય લોકમેળો આ વખતે રાઈડસ વગર જ યોજવો પડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામેલ છે. જયારે બીજી તરફ લોકમેળાના 238 સ્ટોલ સામે હજુ માત્ર 27 ફોર્મ જ ભરાયેલા સબમીટ થતા વહીવટીતંત્ર હરકતમાં આવી જવા પામેલ છે.
અહી એ ઉલ્લેખનીય છે કે, લોકમેળા માટે કલેકટરતંત્ર દ્વારા આ વખતે સ્ટોલના ફોર્મની મુદતમાં સતત ત્રીજી વખત વધારો કરવા છતાં વેપારીઓએ લોકમેળાની આકરી એસઓપીના પગલે સ્ટોલ લેવા માટે રસ દાખવેલ નથી.
જેના પગલે આ મેળાના આયોજન સામે હાલ પ્રશ્નાર્થ ખડો થયો છે. લોકમેળા સમીતીને આ વખતે યાંત્રીક રાઈડસ તો ઠીક પણ સ્ટોલ વેચવાના પણ ફાંફા થઈ પડયા છે.
યાંત્રીક રાઈડસની એસઓપીમાં છુટછાટ આપવાની માંગણી સાથે રાઈડસ સંચાલકોએ ગાંધીનગરના ધકકા ખાઈ સીએમઓ, ગૃહમંત્રી, મુખ્યમંત્રી, યાંત્રીક રાઈડસ વિભાગના સચીવ સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. પરંતુ એસઓપીમાં બાંધછોડ કરવાના મામલે તંત્રએ રસ નહી દાખવતા રાઈડસનો પ્રશ્ન હજુ જેમને તેમ અદ્ધરતાલ લટકી રહ્યો છે.
ત્યારે આ વખતે મોટી રાઈડસ વગર જ રાજકોટનો રંગીલો લોકમેળો યોજવો પડે તેવી નોબત આવી પડી છે. તેની સાથે હવે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ આ લોકમેળામાં હવે રાઈડસના બદલે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કવીઝ, મનોરંજન આપતી સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો સાથે પ્લાન-બી ના આયોજન તરફ આગળ વધવાનું શરુ કરાયુ છે. લોકમેળાના રિવાઈઝડ પ્લાન માટે જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે ખાસ બેઠક યોજવામાં આવી હતી.
ત્યારે હવે નગરજનોમાંથી તેવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે રાઈડસ વગરનો આ લોકમેળો કેવો રહેશે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ભાતીગળ લોકમેળામાં રાઈડસનું આકર્ષણ રહેતુ હતું. આ મેળાને મહાલવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી લાખોની જનમેદની ઉમટી પડે છે.
પરંતુ આ વખતે રાજય સરકારની રાઈડસ માટેની આકરી એસઓપી આરસીસી ફાઉન્ડેશન, સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ અને જીએસટી સાથેનું રાઈડસનું બીલ વહીવટીતંત્ર દ્વારા માંગવામાં આવતા રાઈડસ સંચાલકોએ તેની સામે નારાજગી દર્શાવી અને એસઓપીમાં છુટછાટ આપવાની માંગણી કરી રહ્યા છે. પરંતુ રાજય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા તેને મચક હજુ આપવામાં આવી નથી.
અહી પણ ઉલ્લેખનીય છે કે, આ લોકમેળાના મામલે કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા સ્ટોલ સંચાલકો અને નાની રાઈડસવાળાઓ માટે ફોર્મની મુદતમાં પાંચ દિવસનો વધારો કરાશે તેવુ જાહેર કરાયુ હતું.
જો કે સ્ટોલ માટે હવે વેપારીઓને સતત ચોથી મુદત આપવામાં આવનાર છે ત્યારે વેપારીઓ લોકમેળામાં સ્ટોલ માટે મન બનાવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે પરંતુ છેલ્લા 50 વર્ષના ઈતિહાસમાં લોકમેળો આ વખતે મોટી રાઈડસ વગર જ યોજવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.