કાંતિ અમૃતિયા રાજીનામુ આપ્યા વગર પરત ; શકિત પ્રદર્શન કરીને ગાંધીનગરમાં હવે હું ઈટાલીયા કહેશે ત્યારે ફરી આવીશ તેવું કહી મોરબીના ધારાસભ્યએ નાટયાત્મક દ્દશ્યો પર પડદો પાડયો
અમૃતીયાને ચેલેન્જ આપનાર ગોપાલ ઈટાલીયાએ ગાંધીનગર પહોંચવાનું ટાળ્યું: પક્ષે ડારો દીધો હોવાનો સંકેત: હવે નવા એપિસોડની રાહ

સૌરાષ્ટ્રમાં મોરબીના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયા તથા વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા વચ્ચે રાજીનામા ચેલેન્જના હાકલા પડકારાનો આજે અપેક્ષા મૂજબ કોઈ પરિણામ વગર જ અંત આવ્યો હતો.
વિસાવદર બેઠક જીત્યા બાદ હવે રાજયભરમાં ભાજપને પડકારી રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યને મોરબીની બેઠક જીતવા ભાજપના આ બેઠકના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયાએ ફેકેલા પડકાર અને હું રાજીનામુ આપવા તૈયાર છુ તેમ કહીને ગાંધીનગરમાં આજે 100 કારોના કાફલા સાથે શકિત પ્રદર્શન માટે પહોંચેલા કાંતિભાઈ અમૃતીયાએ દાવો કર્યો હતો કે બપોરે 12-15 સુધી મે ગોપાલભાઈ ઈટાલીયાની રાહ જોઈ.જેથી હવે હુ પરત જાઉં છું.
તેમણે ઈટાલીયાને ફરી પડકાર કરતા કહ્યું કે, હું રાજીનામાના કાગળ લઈને આવ્યો હતો પરંતુ ગોપાલભાઈ ન આવતા હું પરત જઈ રહ્યો છું પરંતુ જો ઈટાલીયા કહેશે ત્યારે ફરી આવીશ અને મારૂ રાજીનામું સુપ્રત કરી દઈશ,
તેમણે એવો પણ દાવો કર્યો કે આ ચેલેન્જની રાજનીતિ નથી. ગોપાલભાઈ ખોટુ રાજકારણ કરે અને ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે તેમણે સ્વીકાર્યુ કે મોરબીમાં થોડીઘણી તકલીફ હશે પરંતુ અમે આવતા શનિવારે તે દૂર કરવા જઈ રહ્યા છે.
આ અગાઉ બન્ને વચ્ચે થયેલી ચેલેન્જમાં ગોપાલભાઈએ મોરબીના ધારાસભ્યની આ બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો પડકાર ઉપાડયો હતો. અને કહ્યું કે સોમવાર બપોરે 12 વાગ્યા સુધીમાં જો કાંતીભાઈ અમૃતીયા રાજીનામુ આપી દેશે તો હુ પણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીશ.
જો કે આજે તેઓ ગાંધીનગર તેઓ ફરકયા જ ન હતા અને આ રીતે બન્ને સીટીંગ ધારાસભ્યો વચ્ચેના નાટયાત્મક સંવાદો ફકત પોલીટીકલ માઈલેજ મેળવવા માટે જ હોવાનું સાબીત થયું છે.
મોરબીના ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયા અને વિસાવદરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા વચ્ચેની રાજીનામાની રાજકીય ચેલેન્જ વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પણ તીવ્ર નારાજગી દર્શાવી છે અને તેઓ એક નિવેદન આપ્યું છે.
જણાવ્યું છે કે ધારાસભ્યોએ આવા રાજકીય સ્ટંટમાં પડવું જોઈએ નહીં. તેના બદલે તેઓએ પ્રજાના કામ કેમ થઈ શકે તે જોવું જોઈએ. આમ સમગ્ર ઘટનામાં અધ્યક્ષે પણ બન્ને ધારાસભ્યને આકરી ટકોર કરી છે.
મોરબીમાં ચૂંટણી લડવાનો પડકાર ઉપાડીને પોતે રાજીનામુ આપવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા હજુ ધારાસભ્ય પદે શપથ જ નહીં લીધા હોવાનું બહાર આવ્યું છે અને આમ તેઓ સતાવાર રીતે એમએલએની યાદીમાં સામેલ થયા નથી ત્યાં જ રાજીનામું આપવાના પડકાર કરીને પોતાની રાજકીય બનાવવાની કોશીષ કરતા હોવાનું તેમના જ ટેકેદારોમાં ચર્ચાઈ રહ્યું છે.
અગાઉ જ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યુ હતું કે ગોપાલભાઈ રાજીનામુ આપતા નથી આમ તેઓને રાજીનામુ આપવાનો પણ પ્રશ્ન ઉભો થતો નથી. કારણ કે અધ્યક્ષ કયા ગ્રાઉન્ડ પર રાજીનામુ સ્વીકારે તે પણ પ્રશ્ન છે.
બીજી તરફ આજે રાજીનામું આપવાનો પડકાર કરનાર કાંતીભાઈ અમૃતીયાએ પણ અધ્યક્ષનો સમય માંગ્યો ન હતો આમ તેઓએ અગાઉથી નિશ્ચિત હોય તેવી સ્ક્રીપ્ટ મુજબ ડ્રામાનો અંત લાવ્યાનું માનવામાં આવે છે.