બેંગ્લુરૂ સહિતના શહેરોમાં 14 હજારથી વધુ નાના વેપારીઓને જીએસટી નોટીસ મળતા જ ડીજીટલ વ્યવહાર બંધ કર્યો ,
રૂા.40 લાખના ટર્નઓવરની મર્યાદા વટાવી ગયા હોવાનો ટેકસ વિભાગનો દાવો : 1 ટકો ટેકસ પણ ભરી શકે છે

દેશમાં ડીજીટલ ક્રાંતિના કારણે હવે પેમેન્ટ સીસ્ટમમાં જે નવી કયુઆર કોડ પધ્ધતિનો અમલ છેક નાના ફેરીયાઓ સુધી પહોંચી ગયો છે અને તેના કારણે ખરીદનાર અને વ્યાપારીઓની મુશ્કેલીઓ પણ ઘટી ગઈ છે અને ખાસ કરીને આ વ્યવહારો ઓનલાઈન થવાથી સીસ્ટમમાં રોકડનું પ્રમાણ રોજબરોજના વપરાશમાં ઘટવા લાગ્યું છે.
હાલમાં આ અંગે હવે ડીજીટલ પેમેન્ટ સીસ્ટમ મારફત થતી આવક અને તેમાં વ્યાપારી સહિતના વેરાઓ સબંધી તપાસ શરૂ થતા જ દુકાનદારોએ હવે નો-યુપીઆઈ કેશ ઓન્લીના પણ બોર્ડ લગાવવાનું શરૂ કરી દીધુ છે અને તેમને ડર છે કે જો આ પ્રકારે ડીજીટલ વ્યવહારોની માહિતી જીએસટી સહિતની કરવેરા એજન્સીઓ પાસે પહોંચી જશે તો તેના માટે કર સંબંધી મુશ્કેલી વધી જશે.
હાલમાં જ આવેલા એક રીપોર્ટ મુજબ બેંગલુરૂમાં જે દેશનું ડીજીટલ પાટનગર પણ ગણાય છે ત્યાં અનેક વિસ્તારોમાં દુકાનદારોએ હવે કયુઆર કોડ સીસ્ટમથી પેમેન્ટ સ્વીકારવાનું બંધ કરી દીધુ છે તેની જગ્યાએ તેઓ ગ્રાહકો પાસે રોકડાની જ માંગ કરી રહ્યા છે.
આ અંગેના એક રીપોર્ટ બાદ જાણવા મળ્યું હતું કે, અનેક દુકાનદારોને આ અંગે જીએસટી વિભાગની નોટીસ મળવા લાગતા જ ડરી રહ્યા છે. એકલા જ બેંગલુરૂમાં 14 હજારથી વધુ નાના દુકાનદારોને નોટીસ મળી છે. અને અનેક પાસે તો 2021થી તેમના ટેકસની ઉઘરાણી થઈ છે.
આ પ્રકારના દુકાનદારો જીએસટીમાં આવતા નથી તેમનું વાર્ષીક ટર્નઓવર રૂા.40 લાખથી ઓછુ હોવાથી તેઓને જીએસટી રજીસ્ટ્રેશનમાંથી મુકિત છે. જયારે તેમનો રોજબરોજનો વ્યાપાર મોટી રકમનો હોવાનું જીએસટી વિભાગ માને છે.
અધિકારીઓનો દાવો છે કે, આ પ્રકારના વ્યવહારોમાં તેઓ વર્ષે 40 લાખથી વધુનુ ટર્નઓવર કરી જાય છે અને તેથી તેઓને જીએસટી સીસ્ટમમાં લાવવું જરૂરી છે. કેટલીક એવી એજન્સીઓ પણ છે કે જે રૂા.20 લાખ કે તેથી વધુની સર્વીસ આપે છે તેમને પણ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
જયારે 1.50 કરોડ સુધીના ટર્નઓવરમાં તેઓ કમ્પોઝીશન ટેકસ ભરી શકે છે એટલે જે તેમના કુલ ટર્નઓવરના 1 ટકો ભરી શકે છે. પરંતુ વ્યાપારીનું કહેવુ છે કે રૂા.40 લાખનું તેમનું ટર્નઓવર ન હોવા છતા પણ આ પ્રકારે નોટીસ આવતા તેઓને કરવેરા સલાહકારો પાસે દોડવું પડયું છે અને તેના ધંધા વ્યાપારને પણ અસર થઈ રહી છે.