મુંબઈમાં રેડ એલર્ટ ; અનેક વિસ્તારો થશે જળમગ્ન, IMDએ આપી અપડેટ ,
મુંબઈ અને થાણેમાં મંગળવારેથી શરૂ થયેલા ભારે વરસાદે શહેરના જીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. પાણી ભરાવા, ટ્રાફિક જામ અને મુસાફરીમાં વિઘ્ન જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે.

મંગળવારે મુંબઈ અને થાણે શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને અંધેરી, વિલે પાર્લે, સાંતાક્રુઝ, ખાર અને બાંદ્રા જેવા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ બીકેસી, કુર્લા, ચેમ્બુર, ઘાટકોપર અને ભાંડુપમાં પણ વરસાદ સતત ચાલુ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી ગઈ છે.
આ ભારે વરસાદના કારણે શહેરના સામાન્ય જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો છે. લોકોને ઓફિસ પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનવ્યવહાર પણ ભારે ધીમા પડી ગયા છે અને અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે. મુંબઈનું જનજીવન માટે મહત્વપૂર્ણ લોકલ ટ્રેન સેવા પણ અસરગ્રસ્ત થઈ છે. ટ્રેનો સામાન્ય કરતા ધીમી ગતિએ ચાલી રહી છે, જેના કારણે મુસાફરોને કલાકો સુધી પ્લેટફોર્મ પર રાહ જોવી પડી રહી છે. આ ઉપરાંત, શહેરના રિકશા, બસ અને ટેક્સી વ્યવહાર પણ વિક્ષિપ્ત થયો છે.
હવાઈ સેવા પર પણ વરસાદનો અસરકારક પ્રભાવ પડ્યો છે. ઈન્ડિગો એરલાઈન્સે જાહેર કર્યું છે કે ભારે વરસાદને કારણે તેની કેટલીક ફ્લાઈટ્સના સમયપત્રકમાં બદલાવ થયો છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મુસાફરી પહેલાં ફ્લાઈટ સ્ટેટસ તપાસી લે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 15 જુલાઈના રોજ બપોરે 12:30 વાગ્યે “મુંબઈ મેટ્રોપોલિટન રિજન” અને થાણે જિલ્લામાં આગામી 3થી 4 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ચેતવણી અનુસાર, કલાકે 15 મીમીથી વધુ વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં તીવ્ર પવન અને વાવાઝોડા પણ આવી શકે છે.
હવામાન વિભાગ અને વહીવટી તંત્રે નાગરિકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. લોકો સામે અપીલ કરવામાં આવી છે કે તેઓ બહાર નીકળતી વખતે હવામાન પર નજર રાખે અને નીચાણવાળા વિસ્તારો તથા દરિયાકાંઠા પર જવાનું ટાળે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શાળાના વિદ્યાર્થીઓ માટે સાવધાની રાખવી જરૂરી છે.