108, 181, 100, 101, હવે નહીં ડાયલ કરવા પડે આ નંબરો, તમામ ઈમરજન્સી સેવાઓ માટે કૉલ કરો આ નંબર!112 નંબર પર કૉલ કરો
ગુજરાત પોલીસ દ્વારા લોકોની સલામતી માટે વર્ષ 2019 માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી. જે સેવા આજે રાજકોટમાં પણ શરૂ કરવામાં આવી હતી. હવે ઈમરજન્સી નંબરો યાદ રાખવાની જરૂર નહી રહે.

રાજકોટ શહેરમાં હવે અલગ અલગ ઇમરજન્સી નંબરને યાદ રાખવાની જરૂર નહિ રહે. એકીકૃત જનરક્ષક હેલ્પલાઇન ‘112’ ની શરૂઆત સાથે હવે માત્ર એક જ નંબર પરથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ અને મહિલા સહાયતા જેવી સેવાઓ મેળવી શકાય છે. આ સંકલિત સેવા લોકો માટે વધુ સગવડદાયક અને ઝડપી સહાયરૂપ બનશે.
હવે 100, 101, 108 અને 181 જેવા જૂના ઇમરજન્સી નંબરને તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે. જો કોઈ નાગરિક જુનો નંબર ડાયલ કરશે તો તેનો કોલ આપોઆપ 112 નંબર પર ટ્રાન્સફર થઈ જશે. આ વ્યવસ્થા લોકોને નવી હેલ્પલાઇન સાથે સહેલાઈથી સંકલિત થવામાં મદદ કરશે.
112 હેલ્પલાઇનનો પ્રારંભ 2019માં ગુજરાતના 7 જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથ, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં સફળ અમલ બાદ આ સેવા રાજ્યભરમાં તબક્કાવાર અમલમાં મૂકાઈ રહી છે. આજથી રાજકોટ પણ આ યોજનાનો ભાગ બની ગયું છે.
112 હેલ્પલાઇનનું સંચાલન તદ્દન ડિજિટલ પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે. પીસીઆર વાનમાં ટેબ્લેટ, જીપીએસ, ફર્સ્ટ એઈડ કીટ, અગ્નિશામક સાધનો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. કોલથી લઇને અહેવાલ અપલોડ કરવાની આખી પ્રક્રિયા ડિજિટલ પ્લેટફોર્મ પર કાર્યરત રહેશે.
કંટ્રોલ રૂમના એસીપી વી.જી. પટેલે જણાવ્યુ હતું કે, રાજકોટમાં હાલ 17 પીસીઆર વાન ઉપલબ્ધ છે જેને ‘જનરક્ષક વાન’માં રૂપાંતરિત કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ 16 વાનની ફાળવણી થવા જઈ રહી છે. તમામ વાનમાં ઇમરજન્સી હેલ્પલાઇન કામગીરીને અનુરૂપ સાધનો અપાયાં છે.
હેલ્પલાઇન કાર્યક્ષમ અને ઝડપી બની રહે તે માટે સ્ટાફને બે તબક્કામાં તાલીમ આપવામાં આવી છે. ટેબ્લેટ ઓપરેટ કરવા, જીપીએસ લાઈવ ટ્રેકિંગ અને કોલ રિસ્પોન્સ મેનેજમેન્ટ જેવા મુદ્દાઓ પર પોલીસ કર્મચારીઓને વિશેષ તાલીમ અપાઈ છે.
112 હેલ્પલાઇન માટે મુખ્ય કંટ્રોલરૂમ ગાંધીનગર ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. ત્યાંથી રાજ્યભરની પીસીઆર વાનનું મોનીટરીંગ થશે. સાથે સાથે સ્થાનિક કંટ્રોલરૂમ દ્વારા પણ કોલ રિસ્પોન્સ અને ટીમ રિસ્પોન્સનું નિયંત્રણ રાખવામાં આવશે.
112 હેલ્પલાઇન શરૂ થતાં નાગરિકોને વધુ સુરક્ષા અને સહાય મળશે. હેલ્પલાઇનની અસરકારક કામગીરી માટે સહાયતાના કોલ બાદ 48 કલાકમાં ફીડબેક લેવામાં આવશે. આ રીતે સરકાર અને પોલીસ વધુ જવાબદાર અને પારદર્શક બનશે.