રાજકોટની ક્રાઇસ્ટ અને ગોકુલ હોસ્પિટલ PMJAY માંથી સસ્પેન્ડ : ગેરરીતિ ખુલી ,
ખ્યાતિ કાંડ બાદ રાજ્ય સરકારે વધારેલા મોનેટરીંગમાં વધુ 21 હોસ્પિટલો ઝપટે ચડી ગઇ

ગુજરાતમાં બહુ ચર્ચિત ખ્યાતિ કાંડના પગલે રાજય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ગેરલાભ લઇને બોગસ રીતે લેબ રીપોર્ટ બીનજરૂરી ઓપરેશન અને વધારા પડતા ખર્ચ બતાવીને સરકારની પાસેથી મોટી રકમ વસુલવાના કૌભાંડની સામે આકરા પગલા લેવાનું શરૂ કરી દીધુ છે.
તેમાં હવે આ યોજના હેઠળ આવરી દેવાયેલી તમામ હોસ્પિટલો પર સરકારનું મોનીટરીંગ વધી ગયું છે તે સમયે હવે રાજકોટને બે સહિત ગુજરાતની વધુ 21 હોસ્પિટલોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
આરોગ્ય વિભાગે જે હોસ્પિટલોને સામેલ કરી છે તેમાં રાજકોટની બે ખ્યાતનામ ક્રાઇસ્ટ હોસ્પિટલ અને ગોકુલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. સસ્પેન્ડેડ હોસ્પિટલ એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નિયમોનો ભંગ કરીને દર્દીઓને દાખલ કરવા લેબોરેટરી રીપોર્ટ સાથે ચેડા કરવા અને વધુ પડતા ચાર્જ વસુલવા એટલું જ નહીં આ હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓનો મૃત્યુદર પણ ઉંચો હોવાનું સરકારી તપાસમાં નોંધાયું છે.
કેટલીક હોસ્પિટલો જે શીશુ સંભાળ સહિતની ઓફર કરે છે તેના દ્વારા પણ વધુ પડતા બીલ વસુલાયા હોવાનું બહાર આવ્યું હતું જયારે તેમાં ફાયર સેફટીમાં પણ બેકાળજી લેવાઇ હોય સીસીટીવીની ગોઠવણ પણ યોગ્ય થઇ ન હોય અને ઓપરેશન થીયેટરોમાં યોગ્ય સ્વચ્છતા અને જંતુરહિત સહિતની વ્યવસ્થા ન હોય તેમજ અનેક હોસ્પિટલોએ બિલ્ડીંગ યુઝ પરમીશન લીધી ન હોય તે બહાર આવ્યું છે.
રાજકોટની બે જાણીતી ક્રાઇસ્ટ અને ગોકુલ હોસ્પિટલ ઉપરાંત સુરતની કે.પી.સંઘવી હોસ્પિટલ, પાટણની આસ્થા હોસ્પિટલ, છોટા ઉદેપુરની દેવ હોસ્પિટલ, અમદાવાદ ઇન્સ્ટીયુટ ઓફ મેડીકલ સર્વિસ ઉપરાંત અમદાવાદની શાલીગ્રામ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને ગાંધીનગરની રોટરી મેડીકલ રીસર્ચ સેન્ટર તેમજ તાપીની સિધ્ધિ વિનાયક હોસ્પિટલનો સમાવેશ થાય છે. જેના કારણે હવે આ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવારનો લાભ નહીં મળે