ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષોએ સભામોકૂફીની નોટીસ ફટકારી પહેલગામ હુમલા – ઓપરેશન સિંદૂર મુદ્દે સંસદમાં સરકારને ઘેરતા વિપક્ષો
જયસભામાં ખડગેનો પ્રશ્ન : પહેલગામ હુમલાના આતંકી હજુ સુધી કેમ ઝડપાયા નથી?: ઓપરેશન સિંદૂરને સૌથી મોટી કાર્યવાહી ગણાવતા નડ્ડા

આજથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ સરકાર અને વિપક્ષ વચ્ચે પહેલગામ હુમલાથી લઈ ઓપરેશન સિંદૂર અને અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પાક. વચ્ચેના યુધ્ધ વિરામ વચ્ચે કરાયેલા દાવા સહિતના મુદે બન્ને ગૃહોમાં જબરી ધમાલ મચી હતી.
એક તબકકે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોલવા દેવાનો ઈન્કાર થતા જ સમગ્ર વિપક્ષે વારંવાર લોકસભાનું કામ ખોરવ્યું હતું અને અંતે બપોરે 4 વાગ્યા સુધી ગૃહ મુલત્વી રહ્યું હતું.
જયારે બીજી તરફ રાજયસભામાં વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ પહેલગામ હુમલા અંગે સરકારને ઘેરી હતી અને પ્રશ્ન પુછયો હતો કે શા માટે હજુ સુધી પહેલગામ હુમલાનો એક પણ આતંકી ઝડપાયો નથી.
બીજી તરફ સરકારનો બચાવ કરતા ગૃહના નેતા જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર એ અત્યાર સુધીમાં કરવામાં આવેલી સૌથી મોટુ સૈન્ય ઓપરેશન છે તેમણે દાવો કર્યો કે સરકાર કોઈપણ પ્રકારની ચર્ચાથી ગભરાતી નથી. પરંતુ વિપક્ષને સરકારના દાવાથી સંતોષ થયો ન હતો અને ગૃહમાં ધમાલ યથાવત રહેતા રાજયસભાનું કામકાજ મૂલત્વી રખાયું હતું.
આજે સંસદના તા.21 ઓગષ્ટ સુધી ચાલનારા સત્રના પ્રારંભે જ વિપક્ષોએ પહેલગામ હુમલા સહિતના મુદે સભા મોકૂફની દરખાસ્ત રજૂ કરી હતી અને વડાપ્રધાનના જવાબનો આગ્રહ રાખ્યો હતો. લોકસભા અને રાજયસભામાં પ્રારંભથી જ વિપક્ષોએ સુત્રોચ્ચાર કર્યા હતા.
બીજી તરફ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિપક્ષને જવાબ આપતા કહ્યું કે સરકાર ગમે તેટલા કલાકો સુધી લાંબી ચર્ચા કરવા તૈયાર છે પરંતુ વિપક્ષને તેના જવાબથી સંતોષ થયો ન હતો.
ખાસ કરીને લોકસભામાં રાહુલ ગાંધીએ બોલવાની કોશીષ કરતા જ અધ્યક્ષ દ્વારા તેમને મંજૂરી ન અપાતા ધમાલ સર્જાઈ હતી આ તબકકે પ્રિયંકા ગાંધી પણ રાહુલની મદદે આવ્યા હતા અને પૂછયુ હતું.
સરકાર ચર્ચા માટે તૈયાર હોય તો વિપક્ષના નેતાને બોલવા દેવાતા નથી. જે મુદ્દે કોંગ્રેસના સભ્યોએ ધમાલ યથાવત રાખી હતી અને અંતે બપોરે 4 વાગ્યા સુધી ગૃહ મુલત્વી રહ્યું હતું.