વિલંબથી રીટર્ન ફાઈલ કરનારને પણ રીફંડ મળશે ; ટીડીએસ કે અન્ય રીફંડમાં પેનલ્ટીની જોગવાઈ સામે સંસદીય સમિતિએ સુધારો સુચવ્યો ,
ધાર્મિકની સાથોસાથ ચેરીટેબલ કામ કરતી સંસ્થાઓને ગુપ્તદાન પર 30% આવકવેરાની ભલામણ સામે સમિતિનો વિરોધ : સામાજીક કામોને અસર થવાની સંભાવના

દેશમાં લગભગ 65 વર્ષ બાદ આવકવેરાના કાનૂનમાં ધરખમ ફેરફાર કરવા માટે સંસદમાં રજૂ થયેલા સંસદીય સમિતિના 4575 પાનાના રીપોર્ટમાં એક તરફ વિલંબથી આવકવેરા રીટર્ન ફાઈલ કરનારને પણ ડયુ રીફંડ મળે તે ભલામણ કરવામાં આવી છે.
તો સાથોસાથ નવા પ્રસ્તાવિત કાનૂનમાં જે રીતે નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન એટલે કે નફો નહીં ધાર્મીક અને સામાજીક કામ કરતી સંસ્થાઓમાં તેમના મળતા ગુપ્ત દાનને પુરેપુરી રીતે આવકવેરા હેઠળ આવરી લેવાની જે ભલામણ છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે.
સંસદમાં રજુ થયેલ કમીટીના રીપોર્ટ પર હવે સંભવત આજથી ચર્ચા શરૂ થશે અને આગામી એક કે બે દિવસમાં ઈન્કમટેકસ એકટ 1961નું સ્થાન નવો 2025નો કાનૂન લઈ લેશે.
સૌથી મહત્વનું છે કે, સંસદીય સમીતીએ પોતાના અભિપ્રાયમાં જણાવ્યું છે કે જો કોઈ કરદાતા નિશ્ચિત સમય સીમા પછી તેનું આવકવેરા રીટર્ન ફાઈલ કરે તો તેને ટેકસ રીફંડનો લાભ નહીં આપવાની જે પ્રસ્તાવિત જોગવાઈ છે તે યોગ્ય નથી.
સમીતીએ વિલંબથી રીટર્ન ફાઈલ કરનારને તેનું ડયુ ટેકસ રીફંડ મળવું જોઈએ તેવી ભલામણ કરી છે. સૌથી મહત્વપૂર્ણ એ છે કે આ પ્રકારના કરદાતાઓ જે આવકવેરાની મર્યાદામાં આવતા નથી છતા પણ તેઓ પાસેથી ટીડીએસ વસુલાયો છે તો તેણે આ ટીડીએસનું રીફંડ લેવા માટે આવકવેરા રીટર્ન ફાઈલ કરવાની જે જોગવાઈ છે તેના સ્થાને ફકત એક સરળ ફોર્મ ભરીને તેને રીફંડ મળે તેવી જોગવાઈ કરવાની ભલામણ કરી છે.
આ ઉપરાંત નવા આવકવેરા ધારામાં અગાઉના આઈટી એકટની કલમ 80એ નો સમાવેશ કરાયો નથી. જેમાં કંપની દ્વારા ઈન્ટર કોર્પોરેટ ડીવીડન્ડ એટલે કે એક કંપની બીજી કંપનીને ડીવીડન્ડ આપે તો તેને ડીવીડન્ડ ફંડની છુટની જે અત્યાર સુધી જોગવાઈ હતી તેને ફરી અમલી બનાવવા માંગણી કરી છે.
સૌથી મહત્વનું કમીટીએ વિલંબથી રીટર્ન ફાઈલ કરનારને ટીડીએસ કે તેનું અન્ય રીફંડ કોઈ પેનલ્ટી વગર પરત અપાઈ તે માટે ભલામણ કરી છે. સંસદીય સમીતીએ સૌથી મહત્વપૂર્ણ રીતે આવકવેરા ધારાની કલમ 115 બીબીસી હેઠળ નોન પ્રોફીટ ઓર્ગેનાઈઝર અને તેની તમામ ગુપ્તદાનને આવકવેરામાં આવરી લેવાની જોગવાઈ છે તેમાં ધાર્મિક ટ્રસ્ટો કે સંસ્થાઓની સાથે સામાજીક ચેરીટેબલ સંસ્થાઓને પણ જોડવા માંગણી કરી છે.
ખાસ કરીને ધાર્મિક સંસ્થાઓ- સામાજીક અને સખાવતી કામ પણ કરતી હોય છે અને તેથી ફક્ત ધાર્મિક સંસ્થાઓને મુકિત આપવાથી ચેરીટેબલ ટ્રસ્ટો પર બીનજરૂરી રીતે કરનો બોજો આવી જશે.
ખાસ કરીને શૈક્ષણિક, મેડીકલ તેમજ અન્ય સામાજીક સેવાઓમાં રોકાયેલી સંસ્થાઓને તેની વર્તમાન મુકિત ચાલુ રહે તે ભલામણ કરાઈ છે. આમ ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટોને ગુપ્તદાનમાંથી કરમુકિત મળવી જોઈએ. નવા ખરડામાં ગુપ્તદાન પર 30 ટકા ટેકસની જોગવાઈ છે તેનો કમીટીએ વિરોધ કર્યો છે.
સંસદીય સમિતિએ હાઉસ પ્રોપર્ટી એટલે કે મિલ્કતમાંથી થતી આવકમાં આવકવેરાની ધારા 22 મુજબ જે ડીડકશન એટલે કે કર કપાતની જે જોગવાઈ છે તેમાં સુધારો કરવા ભલામણ કરી છે. હાલના તબકકે કેટલાક કેસોમાં હાઉસ પ્રોપર્ટીથી થનારી ભાડાની આવક પર 30 ટકા સ્ટાન્ડર્ડ ડીડકશનની ગણત્રી કરે છે.
બાદમાં હાઉસ ટેકસની રકમ તેમાંથી કપાત કરે છે તેના બદલે મ્યુનિસિપલ ટેકસ ઘટાડયા બાદ જ વાર્ષિક રેન્ક વગેરે આવક પર 30 ટકા ડીડકશન થવું જોઈએ. જેનાથી સરકારી તીજોરીને નુકશાન જાય છે તે અટકાવી શકાય છે.
હાલના તબકકે જે મિલ્કતો બાંધકામના તબકકે હોય તેના પર લોનના વ્યાજ અંગે જે કર કપાતની જોગવાઈ છે તેમાં પણ સમિતિએ સુધારો કરવાની ભલામણ કરી છે.
જેમાં પ્રીકન્ટ્રકશન પીરીયડમાં હોમ લોનનું વ્યાજનું કરકપાત ઘરનુ પજેશન મળ્યા બાદ પાંચ ઈન્ટોલમેન્ટમાં મેળવી શકાય છે. પરંતુ જો મિલકત ભાડા ઉપર આપવામાં આવે તો આ પ્રકારનો લાભ મળતો નથી. જે ખરેખર મળવો જોઈએ.