અમેરિકામાં મુનીરની પરમાણુ યુદ્ધની ધમકી ; સિંધુ નદી પર ભારત ડેમ તો બનાવે, અમે 10 મિસાઈલોથી તબાહ કરી નાખશું
અમેરિકામાં પાક. સૈન્ય વડાએ ભારત વિરુદ્ધ ઝેર ઓંકયું : કાશ્મીરનો પણ આલાપ છેડયો

ચાર-ચાર યુદ્ધ અને તાજેતરમાં ઓપરેશન સિંદૂરથી ભારતના હાથે માત ખાધા બાદ પાકિસ્તાનના સૈન્ય વડા ફિલ્ડ માર્શલ મુનીરે અમેરિકાના ટામ્પા શહેરમાં એક કાર્યક્રમમાં ભારતને ફરી પરમાણુ ધમકી આપી છે.
ભારતે સિંધુજળ સંધિ રદ કર્યાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ભારતના નિર્ણયથી 25 કરોડ લોકોને ભૂખમરાનો ખતરો થઈ શકે છે. જો ભારત સાથે યુદ્ધ થયું અને તેમાં પાકિસ્તાનના અસ્તિત્વ પર ખતરો તોળાશે તો પૂરા ક્ષેત્રને પરમાણુ યુદ્ધમાં નાખી દઈશું.
અમેરિકાના ટામ્પા શહેરમાં બિઝનેસમેન અદનાન અસદ દ્વારા આયોજીત ડીનરમાં મુનીરે ધમકી આપતા કહ્યું હતું કે અમે એક પરમાણુ રાષ્ટ્ર છીએ. જો અમને લાગશે કે અમે ડૂબી રહ્યા છીએ તો અડધી દુનિયાને અમારી સાથે લઈ જઈશું.
તો અમે 10 મિસાઈલથી સિંધુ પરના ડેમને તબાહ કરશું: સિંધુ જળને લઈને પણ મુનીરે ભારતને ધમકી આપી હતી કે ભારતના સિંધુ જળ સંધિ રદ કરવાના નિર્ણયથી 25 કરોડ લોકોને ભૂખમરાનો ખતરો થઈ શકે છે.
અમે રાહ જોઈ રહ્યા છીએ કે ભારત કયારે સિંધુ નદી પર ડેમ બાંધે છે. જયારે તે બનશે તે અમે તેને 10 મિસાઈલોથી તબાહ કરી નાખશું. અમારી પાસે મિસાઈલોની કમી નથી.
ભારત વિરુદ્ધ ઝેર ઓકતા પાક સૈન્ય વડાએ કહ્યું હતું- સિંધુ નદી ભારતની ખાનગી સંપતિ નથી. કાશ્મીર વણઉકેલ ઈન્ટરનેશનલ એજન્ડા: મુનીરે કાશ્મીરનું પણ ગાણું ગાયું હતું. તેમણે કહ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી. બલકે વણઉકેલ ઈન્ટરનેશનલ મામલો છે.
સીઝ ફાયર માટે ટ્રમ્પને કહ્યું- થેન્ક યુ: મુનીરે કહ્યું હતું કે પાકિસ્તાન રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ખૂબ જ આભારી છે, જેમના રણનીતિક નેતૃત્વે માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ જ ન રોકયું. બલકે દુનિયાના અન્ય યુદ્ધોને પણ રોકયા.