મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 79મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પોરબંદર ખાતે આયોજિત રાજ્યકક્ષાના સમારોહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું ,
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અન્ય મહાનુભાવો તેમજ ઉપસ્થિત નાગરિકો સાથે શુભેચ્છાનું આદાનપ્રદાન કર્યું

15 ઓગસ્ટ 2025 ના રોજ ભારતના 79મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં કરી રહ્યા છે. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે “બાપુના પગલે ત્રિરંગા ભારત” થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં 150 કલાકાર દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરશે. આજે સમગ્ર રાજ્યમાં સવારે 9:00 કલાકે એકસાથે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે આઝાદીના આ મહાપર્વને ગૌરવપૂર્ણ બનાવશે.
ગઈકાલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ “વંદન તને પોરબંદર” શીર્ષક હેઠળ યોજાયેલા મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં ગાંધીજીના જીવન અને પોરબંદરના ઇતિહાસને દર્શાવતા નાટ્યાંશો રજૂ થયા હતા.
79મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા પોરબંદર પધારેલા માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અન્ય મહાનુભાવો સાથે કીર્તિ મંદિરની મુલાકાત લઈને દેશને સ્વતંત્રતા અપાવવામાં અનન્ય ભૂમિકા ભજવનાર રાષ્ટ્રપિતા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરી કૃતજ્ઞતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 79મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અન્ય મહાનુભાવો તેમજ ઉપસ્થિત નાગરિકો સાથે શુભેચ્છાનું આદાનપ્રદાન કર્યું
માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે પોરબંદર જિલ્લામાં કુલ અંદાજે ₹175 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પોરબંદર નગરપાલિકા, પોરબંદર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે કુલ ₹7.5 કરોડની ફાળવણી પણ કરવામાં આવી હતી.