ચાઇનીઝ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTok પરથી પ્રતિબંધ હટાવી દીધા હોવાના અહેવાલો વચ્ચે સરકારે નિવેદન આપીને આવા અહેવાલોનું ખંડન કરી દીધું છે.
ઈ-કોમર્સ વેબસાઇટ Aliexpress અને ઓનલાઇન કપડાં વેચતી વેબસાઇટ SHEIN અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા આવી નથી.

ભારત સરકારે શુક્રવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે ચાઇનીઝ વીડિયો એગ્રીગેટર પ્લેટફોર્મ TikTok પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના સૂત્રો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભારતમાં TikTok માટે કોઈ અનબ્લોકિંગ ઓર્ડર જારી કરવામાં આવ્યો નથી. આવા કોઈપણ નિવેદન અથવા સમાચાર ખોટા અને ભ્રામક છે. જોકે, ઈ-કોમર્સ વેબસાઇટ Aliexpress અને ઓનલાઇન કપડાં વેચતી વેબસાઇટ SHEIN અંગે સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા આવી નથી.
જોકે કેટલાક યુઝર્સ TikTok વેબસાઇટ ઍક્સેસ કરી શક્યા હતા, પરંતુ તેઓ લોગ ઇન, વીડિયો અપલોડ કે જોઈ શક્યાં ન હતા. ભારતમાં એપ સ્ટોર પર આ ચાઇનીઝ વીડિયો પ્લેટફોર્મની એપ્લિકેશન પણ ઉપલબ્ધ નથી. ટેલિકોમ્યુનિકેશન વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ સતત આ વેબસાઇટને બ્લોક રાખી રહ્યા છે. જો કે, તે સ્પષ્ટ નથી કે કેટલાક ઇન્ટરનેટ યુઝર્સ તેને કેવી રીતે ઍક્સેસ કરી શકે છે.
શુક્રવારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે ચાઇનીઝ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTokની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરી શરૂ થઈ છે, જોકે આ એપ્લિકેશન હજુ પણ ઉપલબ્ધ નથી. પરંતુ સરકારે આ અહેવાલોનું ખંડન કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે જૂન 2020 માં જ્યારે ગલવાન ખીણમાં ભારત-ચીન તણાવ ચરમસીમાએ હતો ત્યારે ભારત સરકારે 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. ભારત સરકારે આ મોબાઇલ એપ્લિકેશનોને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને પ્રતિબંધ લગાવ્યો હતો. આ યાદીમાં TikTok, ShareIt, UC બ્રાઉઝર, UC News અને ઘણી લોકપ્રિય એપ્લિકેશનોનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ 69A હેઠળ લાદવામાં આવ્યો હતો.
ભારત સરકારે આ ચાઇનીઝ એપ્લિકેશનોને ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે ખતરો ગણાવી હતી. ચીન સાથે ભારતના વધતા સરહદી તણાવને લીધે આ પગલું લેવામાં આવ્યું હતું. આ બધી એપ્સ ભારતીય નાગરિકોનો ડેટા લીક કરી રહી હતી. ટેક નિષ્ણાતોએ કહ્યું હતું કે આ એપ્સ ભારતીયોના લોકેશન ડેટા લે છે અને ચીનમાં સ્થિત સર્વર પર ફાઇલો ટ્રાન્સફર કરે છે.
ટિકટોક પરથી પ્રતિબંધ હટાવી દેવાના અહેવાલો એવા સમયે સામે આવ્યા કે જયારે તાજેતરમાં, પીએમ મોદી અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચેની મુલાકાતમાં, સરહદ પર શાંતિ જાળવવા, સરહદ વેપાર ખોલવા અને રોકાણ વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.