ગુજરાત

ગુજરાતમાં દર 3 માંથી 1 યુવા માનસિક તનાવ – ડીપ્રેશનથી ઘેરાયો ; ભણતરના ભારથી માંડીને નોકરી ધંધાનાં ટેન્શનમાં સપડાતો યુવાવર્ગ ,

15 વર્ષનાં બાળકો પણ એકલાપણા - માનસિક ચિંતાનાં શિકાર : રાજય સરકાર હોસ્પિટલો બાદ આરોગ્ય કેન્દ્રોમાં પણ સારવાર શરૂ કરશે

જીવનશૈલીથી માંડીને નોકરી ધંધા સુધીના બદલાતા આધુનિક યુગમાં માનસીક તણાવ વધ્યું જ છે. ગુજરાતમાં ત્રીજા ભાગનો યુવા વર્ગ માનસીક તાણથી ઘેરાયેલો હોવાનો ખુલાસો થયો છે.

રાજયના આરોગ્ય મંત્રાલયના રીપોર્ટ મુજબ 29 ટકા યુવાવર્ગ-દર ત્રણમાંથી એક ને માનસીક ચિંતાનો ભરડો છે. જુદા જુદા જીલ્લાઓમાં આ આંકડો 6.4 થી માંડીને 32 ટકા સુધીનો છે. રાજયમાં આત્મહત્યાનો દર એક લાખની વસ્તીએ 11.6 નો છે.જયારે 2020 થી 2023 ના સમયગાળામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાનાં બનાવોમાં 21 ટકાનો વધારો છે. જે ઘણો ચોંકાવનારો છે.

માનસીક તનાવ-આત્મહત્યા જેવી બાબતો સામાજીક ચિંતાનો વિષય હોવાનું ગણાવીને રાજયના આરોગ્ય વિભાગ દ્વારા મનોવૈજ્ઞાનિક સારવારનો પ્રોજેકટ હાથ ધર્યો છે. આ સારવાર હાલ માત્ર મોટી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. તે 100 જેટલા આરોગ્ય કેન્દ્રોમાં ઉપલબ્ધ કરાશે.

આ પ્રોજેકટ હેઠળ રાજયની વધુ મેડીકલ કોલેજો, 16 જીલ્લા હોસ્પિટલો તથા ચાર માનસીક આરોગ્ય હોસ્પિટલોના નિષ્ણાંતો દર અઠવાડીયે સામુહીક આરોગ્ય કેન્દ્રોમાં થશે.મનોચિકિત્સક, માનસીક હેલ્થ કાઉન્સીલર, તથા મનોવૈજ્ઞાનિકની ટીમનું સેટઅપ તૈયાર કરાયુ છે.

દેશની માનસીક આરોગ્ય હેલ્પલાઈન એવી `ટેલીમાનસ’ પર ગુજરાતમાંથી દર મહિને સરેરાશ 4000 કોલ થાય છે. તેના વિશ્લેષણમાં એવુ તારણ નિકળ્યુ છે કે તેમાંથી 36 ટકા કોલમાં વ્યકિતનો મૂડ વારંવાર બદલાઈ જતા હોવાની ફરીયાદ હોય છે.જયારે 80 ટકા કોલમાં પરિક્ષા-નોકરી તથા સંબંધોના તનાવ વિશેના હોય છે.

આ ફોન કરનારા લોકોમાં મોટાભાગનાં લોકોની ઉંઘની પેટર્ન પણ બદલાઈ ગઈ હોય છે.પુરતુ ઉંઘી શકતા નથી.રાજય સરકારના એક સીનીયર અધિકારીએ આ રીપોર્ટ પરથી એવુ ફલિત થયુ છે કે માત્ર શહેરોમાં જ નહિં, તાલૂકા-ગ્રામ્ય સ્તરે પણ માનસીક આરોગ્ય સારવારની જરૂર વધી રહી છે.

રાજય સરકાર દ્વારા 20 હોસ્પિટલો માટે માનસીક આરોગ્ય નિષ્ણાંતોની ભરતી કરવાની યોજના બનાવવામાં આવી છે અને તબકકાવાર 180 આરોગ્ય કેન્દ્રોમાં આ સેવા ઉપલબ્ધ બનાવવામાં આવશે.

ખાનગી આરોગ્ય નિષ્ણાંતોએ કહ્યું કે, માનસીક તનાવને `માઈન્ડેમિક’ તરીકે ઓળખાવા લાગ્યુ છે અને કોવીડકાળ બાદ તેનું પ્રમાણ વધ્યુ છે. અમદાવાદની મેન્ટલ સરકારી હોસ્પિટલનાં મેડીકલ સુપ્રિ.ડો.અજય ચૌહાણે કહ્યું કે હોસ્પિટલમાં દરરોજ 400 દર્દીઓની ઓપીડી થાય છે.

તેમાંથી અંદાજીત 15 ટકાની ઉમર 30 વર્ષથી નીચેની અર્થાત યુવા હોય છે. કોવીડકાળ બાદ યુવા વર્ગમાં માનસીક તાણ વધ્યાનું સ્પષ્ટ છે. પ્રાથમીક તબકકે તનાવ અને ડીપ્રેશન જ માલુમ પડે છે. જોકે એક નિષ્ણાંતે દાવો કર્યો હતો કે કોરોનાકાળ પૂર્વે પણ આ કેસો હતા જ પરંતુ કોઈ ગંભીરતાથી લેતુ ન હતું. હવે જાગૃતિ આવી છે.

તેઓના કહેવા પ્રમાણે 15 વર્ષની ઉંમરના બાળકો એકલવાયા તથા માનસીક તાણમાં રહેતા હોવાનું હવે સામાન્ય થઈ ગયુ છે. તનાવગ્રસ્ત નોકરીઓ પણ એક કારણ છે. મોબાઈલ-ટેકનોલોજીના જમાનામાં સ્ક્રીન ટાઈપ વધી ગયાનું પણ એકલવાયાપણાનું કારણ છે. ભણતરનો ભાર પણ ટીનએજરોમાં તનાવ સર્જી રહ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button