રાજકોટ સ્થિત ટોચની નમકીન બ્રાંડ મોટી છલાંગ લગાવવા તૈયાર બાલાજી વેફર્સ 10 ટકા શેર હિસ્સો વેચશે! 40,000 કરોડનું વેલ્યુએશન ,
મધ્ય - પશ્ચિમ ભારતમાં મોટો માર્કેટ શેર ધરાવતી કંપનીની સમગ્ર દેશમાં વિસ્તરણની યોજના : ભીખાભાઈ - ચંદુભાઈ - કનુભાઈ વિરાણી સંચાલીત કંપનીમાં `ડીલ' પાર પડે તો હલ્દીરામ પછીની સૌથી મોટી રહેવાનો અંદાજ

નમકીન ઉદ્યોગમાં દેશભરમાં ટોચના સ્થાનોમાં સામેલ રાજકોટની બાલાજી બ્રાંડમાં 10 ટકા હિસ્સો વેચવા માટે આંતર રાષ્ટ્રીય પ્રાઈવેટ ઈબીટી (પીઈ) કંપનીઓ સાથે વાટાઘાટો અંતિમ તબકકામાં છે. 40,000 કરોડ (4.52 અબજ ડોલર) ના વેલ્યુએશનના આધારે આ ડીલ થવાના સંકેત છે. આ ડીલ પાર પાડવાનાં સંજોગોમાં હલ્દીરામ પછીનો આ સૌથી મોટો સોદો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
રાજકોટમાં હેડકવાર્ટર ધરાવતી તથા મધ્ય-પશ્ચિમ ભારત સહીત દેશના અનેક રાજયોમાં હાજરી ધરાવતી બાલાજી વેફર્સનાં નામથી વિખ્યાત નમકીન કંપનીનું સંચાલન ભીખાભાઈ ચંદુભાઈ તથા કનુભાઈ વિરાણી નામના ત્રણ ભાઈઓ કરે છે અને તેના સંતાનો પણ આજ વ્યવસાયમાં સામેલ થયા છે.
મધ્ય અને પશ્ચિમ ભારતમાં મોટો માર્કેટ શેર ધરાવતી કંપની હવે સમગ્ર દેશમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે અને તેના ભાગરૂપે જ આંશીક-10 ટકા શેર હિસ્સો વેંચવા માટેની વાટાઘાટો ચલાવી રહ્યાના નિર્દેશ છે.
તાજેતરમાં ટોચની નમકીન કંપની હલ્દીરામની 10 અબજ ડોલરના વેલ્યુએશન પર ડીલ થઈ હતી અને નમકીન ક્ષેત્રમાં નવુ સિમાચિન્હ સ્થાપિત થયુ હતું જેના પગલે બાલાજી વેફર્સનાં પ્રમોટરોએ પણ આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.સમગ્ર દેશમાં વિસ્તરણ કરવાનો ઈરાદો છે.
સુત્રોના કહેવા પ્રમાણે કંપની નવા યુગના વિકાસ માટે પ્રોફેશનલ્સને સામેલ કરવાનું વિચારી રહી છે. અને પાંચેક વર્ષમાં શેરબજારમાં પણ દાખલ થશે. આંતર રાષ્ટ્રીય પ્રાઈવેટ ઈકવીટી કંપનીઓ ભારતમાં ક્નઝયુમર, ટેકનોલોજી તથા હેલ્થકેર, ક્ષેત્રમાં જંગી માત્રામાં રોકાણ કરવા-નાણાનો ઢગલો કરવા તૈયાર છે. દેશની અનેક કંપનીઓ સાથે વાટાઘાટો કરી રહી છે. તેમાં બાલાજી વેફર્સ એક છે.શેરબજારમાં લીસ્ટેડ પ્રતાપ સ્નેકસનું વેલ્યુએશન 2379 કરોડ છે બિકાજીનું 20053 કરોડ છે.
રાજકોટની બાલાજી વેફર્સને લાગે વળગે છે ત્યાં સુધી વિરાણી પરિવારની માલીકીની આ કંપની ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી માંડીને અનેક રાજયોમાં મોટો માર્કેટ શેર ધરાવે છે.બ્રિટન અમેરીકા તથા પશ્ચિમી એશીયાના દેશોમાં નિકાસ પણ કરી રહ્યું છે.2023-24 માં કંપનીનું વેચાણ 5453.7 કરોડનું હતું અને 578.8 કરોડનો નફો કર્યો હતો.
ભારતના પેકેજડ ફૂડ ઈન્ડસ્ટ્રીઝને લાગેવળગે છે ત્યાં સુધી 2024 માં માર્કેટ 121.3 અબજ ડોલરનું હતું તે 2033 માં 224.8 અબજ ડોલરને પહોંચવાનો અંદાજ છે. વાર્ષિક 6.5 ટકાના વૃદ્ધિદર સાથે એક દાયકામાં આ માર્કેટ ડબલ થઈ શકે છે.