મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે બોલ્યા મુખ્યમંત્રી બીરેન સિંહ, રાજ્યમાં અશાંતિ માટે ઘૂસણખોરો જવાબદાર

મણિપુરમાં એક મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલી હિંસાનો અંત આવતો જ નથી. ગુરુવારે રાત્રે તોફાની ટોળાએ કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજનના ઘરને આગ ચાંપી દીધી હતી. રાહતની વાત એ છે કે હુમલા સમયે કેન્દ્રીય મંત્રી અને તેમના પરિવારના કોઈ સભ્ય ઘરમાં હાજર ન હતા. દરમિયાન, મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે હિંસા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાજ્યમાં ચાલી રહેલી હિંસા અને અશાંતિ માટે ગેરકાયદે ઘૂસણખોરોને જવાબદાર ગણાવ્યા છે. આ ઉપરાંત, તેમણે મિઝોરમ નેશનલ ફ્રન્ટને મણિપુરના મામલામાં હસ્તક્ષેપ ન કરવાની ચેતવણી પણ આપી છે. મુખ્યમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે રાજ્યમાં ચાલી રહેલી હિંસા બે સમુદાયો વચ્ચેની લડાઈ નથી. સીએમ બિરેન સિંહે કહ્યું કે તમામ ધારાસભ્યો અને મંત્રીઓ શાંતિ સ્થાપવા માટે જનતા સાથે સતત વાતચીત કરી રહ્યા છે.
ખામેનલોકમાં ગોળીબારને આતંકવાદી હુમલો ગણાવ્યો
મુખ્યમંત્રીએ ગઈકાલે ખામેનલોકમાં બનેલી ગોળીબારની ઘટનાની પણ કડક શબ્દોમાં ટીકા કરી હતી. આ ઘટનામાં નવ લોકો માર્યા ગયા હતા. મણિપુરના સીએમએ આ ઘટનાને આતંકવાદનું કૃત્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે હુમલાખોરોને પકડવા માટે ઉરંગપત અને યેનાંગપોકપી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
શાંતિ સ્થાપવા ધારાસભ્યો અને મંત્રીઓ સતત જનતાના સંપર્કમાં
મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે કહ્યું કે મિઝોરમ નેશનલ ફ્રન્ટને મણિપુરના વહીવટી મામલામાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે અમારા તમામ ધારાસભ્યો અને મંત્રીઓ શાંતિ જાળવવા માટે જનતાના સતત સંપર્કમાં છે. રાજ્યપાલ હેઠળની શાંતિ સમિતિ ટૂંક સમયમાં જ તેનું કામ શરૂ કરશે.