મણિપુરની સ્થિતિ વિશે સેનાનું ટ્વિટ, કહ્યું- મહિલાઓ જાણી જોઈને રોકી રહી છે રસ્તો, શાંતિ માટે અપીલ

દેશના પૂર્વ ભાગમાં મણિપુરમાં મે મહિનાની શરૂઆતથી જ હિંસા ભડકી ઉઠી છે. શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસોને ઉગ્રવાદીઓ દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હવે પોલીસ અને સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી કરી છે અને અલગ-અલગ જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા બનાવવામાં આવેલા 12 બંકરોને નષ્ટ કરી દીધા છે. દરમિયાન, હવે ભારતીય સેનાએ તેના વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે કે સ્થાનિક મહિલાઓ શાંતિની પુનઃસ્થાપનામાં અવરોધો ઉભાં કરી રહી છે.
શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા
વંશીય હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં સ્થાનિક મહિલાઓ આડે ઊભી છે. ભારતીય સેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પૂર્વી રાજ્ય મણિપુરમાં છેલ્લાં બે મહિનાથી ફેલાયેલી હિંસાનો અંત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે, અત્યાર સુધી શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે.
ભારતીય સેનાએ સમર્થન માટે કરી અપીલ
ભારતીય સેનાએ એક ટ્વિટમાં કહ્યું કે મણિપુરમાં મહિલા કાર્યકર્તાઓ જાણીજોઈને રસ્તાઓ બ્લોક કરી રહી છે અને સુરક્ષા દળોની કામગીરીમાં દખલ કરી રહી છે. આવી બિનજરૂરી દખલગીરી ગંભીર પરિસ્થિતિઓમાં જાનમાલને બચાવવા માટે સુરક્ષા દળોની સમયસર પ્રતિક્રિયા માટે નુક્સાનકારક છે. ભારતીય સેના જનતાના તમામ વર્ગોને શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસને સમર્થન આપવા અપીલ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 24 જૂને દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં મણિપુરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારથી, પોલીસ અને સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કર્યું છે. હિંસામાં અત્યાર સુધીમાં 115 લોકોના મોત થયા છે, જ્યારે 40 હજાર લોકો વિસ્થાપિત થયા છે. હિંસા પર કાબૂ મેળવવા માટે પોલીસની સાથે સેના અને આસામ રાઈફલ્સના જવાનો પણ અહીં તૈનાત છે. આ કારણે હિંસા પર અમુક અંશે કાબૂ મેળવવામાં સફળતા મળી છે.