મિશન 2024ની તૈયારીઓમાં કોંગ્રેસ વ્યસ્ત, નવી કાર્યકારી સમિતિની રચના પહેલા મહત્વની બેઠક

આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પોતાની નવી ટીમ તૈયાર કરી રહી છે. આ માટે બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. દરમિયાન, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા છે. આ બેઠકમાં કોંગ્રેસની નવી વર્કિંગ કમિટીની ચર્ચા કરવામાં આવશે તેમ કહેવાય છે. સોનિયા સાથેની મુલાકાત દરમિયાન ખડગે તેમની ટીમના કેટલાક સભ્યોના નામ તેમની રજૂ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત, એવું પણ મનાય છે કે ખડગે 29 જૂનને ગુરુવારે આ મામલે રાહુલ ગાંધીને પણ મળશે.
રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ જાહેરાત કરાશે
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ નવી ટીમના નામો ફાઈનલ કરે તેવી શક્યતા છે. આ નવી કારોબારીમાં ઘણાં નવા નેતાઓને સામેલ કરવામાં આવેતેવી સંભાવના છે, જ્યારે કેટલાકના નામ રદ કરાય તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી થોડા દિવસોમાં નવી કારોબારીની જાહેરાત કરી દેવામાં આવશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ કમિટીના નામ નક્કી કરવામાં આવશે, જે આખરી હશે.
કમિટીમાં ઘણાં ફેરફાર થશે
આ વખતે કોંગ્રેસની નવી ટીમમાં ઘણાં ફેરફારો જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે 24ને બદલે 35 સભ્યોની વર્કિંગ કમિટી બનાવવામાં આવે તેવી શક્યતા છે, જેમાંથી દરેકને રાજ્ય અને કેન્દ્ર સ્તરે અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવશે. સૌ પ્રથમ ધ્યાન મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર રહેશે, ત્યારબાદ 2024ની તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવશે, આ વખતે કોંગ્રેસની નવી કમિટીમાં યુવા નેતાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ સાથે કમિટીમાં વિવિધ કેટેગરી પ્રમાણે સભ્યોની નિમણૂંક કરવાની પણ યોજના છે. જેમાં જનરલ કેટેગરી સિવાય ઓબીસી, લઘુમતી અને અનુસૂચિત જનજાતિનો સમાવેશ કરવામાં આવશે.