ભારત

UCCના નામે મુસ્લિમોને ભડકાવી રહ્યા છે વોટ બેંકના ભૂખ્યા લોકો, દેશ બે કાયદા પર કેવી રીતે ચાલે? પીએમ મોદી

મધ્યપ્રદેશમાં આ વર્ષે જ નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને ચૂંટણી મોડમાં આવી ગયા છે. આજે પીએમ મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. અહીં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ શાહડોલમાં વિશાળ જનસભાને સંબોધતા તેમણે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં, ટ્રિપલ તલાક અને યુનિફોર્મ સિવિલ કોડ પર પોતાનો મુદ્દો રાખતા તેમણે કહ્યું કે મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.

જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જે કોઈ ટ્રિપલ તલાકની તરફેણમાં વાત કરે છે, તે લોકો મુસ્લિમ દીકરીઓ સાથે મોટો અન્યાય કરી રહ્યા છે. ટ્રિપલ તલાકથી માત્ર દીકરીઓને જ નુકસાન થતું નથી, પરંતુ તેનાથી આખો પરિવાર બરબાદ થઈ જાય છે. હું સમજું છું કે મુસ્લિમ દીકરીઓ પર ટ્રિપલ તલાકનો ફંદો લટકાવીને, કેટલાંક લોકો તેમના પર કાયમ માટે અત્યાચાર કરવા છૂટ ઈચ્છતા હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં, કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના નામે લોકોને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે. દેશ બે કાયદા પર કેવી રીતે ચાલી શકે ? ભારતના બંધારણમાં પણ નાગરિકોના સમાન અધિકારની વાત કહેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વારંવાર યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાવવાનું કહ્યું છે. પરંતુ આ લોકો વોટ બેંકના ભૂખ્યા છે.

આ સિવાય પીએમ મોદીએ વિપક્ષી એકતા પર કટાક્ષ કરતાં કહ્યું કે, ભાજપના જે કટ્ટર વિપક્ષી દળો છે, 2014 હોય કે 2019 બન્ને ચૂંટણીઓમાં એટલો ફફડાટ નથી બતાવ્યો જેટલો આજે જોવા મળે છે. જે લોકોને પહેલા કેટલાંક લોકો પોતાના દુશ્મન કહેતા હતા, પાણી પી – પીને અપશબ્દો બોલતા હતા, આજે તેઓ તેમને સાષ્ટાંગ પ્રણામ કરી રહ્યા છે. તેમની આ બેચેની જ દર્શાવે છે કે દેશની જનતાએ 2024ની ચૂંટણીમાં ભાજપને પરત લાવવાનો નિર્ણય કરી લીધો છે. 2024માં ફરી એક વખત ભાજપની જંગી જીત નિશ્ચિત છે, જેના કારણે તમામ વિરોધ પક્ષો ગભરાટમાં છે.

આ પ્રસંગે પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા વધુમાં કહ્યું કે આજકાલ એક નવો શબ્દ ખૂબ જ પ્રચલિત થઈ રહ્યો છે – તે શબ્દ ગેરંટી છે, તે વિપક્ષની કોઈ વસ્તુની ગેરંટી છે… આ ગેરંટી ભ્રષ્ટાચારની છે, લાખો-કરોડો રૂપિયાના કૌભાંડોની છે. થોડા દિવસો પહેલાં તેમનો એક ‘ફોટો ઓપ’ કાર્યક્રમ યોજાયો હતો. જો તે બધાનું મળીને કુલ રકમ કરવામાં આવે તો તેઓ 20 લાખ કરોડ રૂપિયાના કૌભાંડની ગેરંટી છે. એકલા કોંગ્રેસનું જ લાખો કરોડનું કૌભાંડ છે. આજે હું પણ એક ગેરંટી આપવા માગું છું. જો તેમની (વિપક્ષ) ગેરંટી કૌભાંડોની છે તો મોદીની પણ એક ગેરંટી છે અને મારી ગેરંટી છે – દરેક કૌભાંડી સામે કાર્યવાહીની ગેરંટી, દરેક ચોર-લૂટારા સામે કાર્યવાહીની ગેરંટી જેમણે ગરીબોને લૂંટ્યા છે, દેશને લૂંટ્યો છે તેમનો હિસાબ તો થઈને જ રહેશે. આજે જ્યારે જેલના સળિયા સામે દેખાઈ રહ્યા છે ત્યારે તેમની આ જુગલબંધી થઈ રહી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button