આદિપુરૂષ ના વિવાદ વચ્ચે હવે નવી પેઢીને જોવા મળશે અસલ રામાયણ
80 ના દાયકામાં દુરદર્શન પર લોકપ્રિય થયેલી ‘રામાયણ’નુ ટીવી પર પુનરાગમન

શેમારૂ ટીવી ચેનલ પર રામાનંદ સાગરની લોકપ્રિય સિરીયલ ‘રામાયણ’નું 3 જુલાઈથી સાંજે 7-30 વાગ્યે પુન:પ્રસારણ થશે
રામાયણ આધારિત ફિલ્મ ‘આદિપુરૂષ’ એ તેના સંવાદો, પાત્રોનાં ભદ્દા ચિત્રણ વિચિત્ર વીએફએકસએ દેશમાં હંગામો મચાવ્યો છે અને ટિકા થઈ રહી છે. ત્યારે ‘રામાયણ’ કેવી હોય તેની તુલના એક જમાનામાં દુરદર્શનની રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરીયલ સાથે રહી છે કે આ સિરીયલમાં રામાયણની આદર્શ રજુઆત થઈ હતી.
હવે ‘આદિપુરૂષ’વિરૂદ્ધ લોકલાગણીનો લાભ લઈ ફરી ‘રામાયણ’સિરીયલને ટીવીના પરદે પ્રસ્તુત કરાઈ રહી છે. આજની પેઢીને ખ્યાલ આવે કે ‘રામાયણ’ કેવી હોય, લોકોનાં દિલમાં વસેલી રામાયણ સિરીયલ કેવી હતી. ઉલ્લેખનીય છે કે 2020 માં કોરોના કાળ દરમ્યાન લોકો ઘરમાં રહે તે માટે ટીવી પર ‘રામાયણ’નું પુન: પ્રસારણ કરાયું હતું અને ત્યારે પણ તેને કરોડો દર્શકો મળ્યા હતા.
80 ના દાયકાના મધ્યના અંતમાં દુરદર્શન પર આવેલી સિરીયલ રામાયણ-3 જુલાઈથી સાંજે 7-30 વાગ્યે શેમારૂ ટીવી ચેનલ પર પ્રસારીત થશે. રામાનંદ સાગર નિર્દેશીત-નિર્મિત આ સિરીયલમાં અરૂણ ગોવિલ રામ દિપિકા ચીખલીયા સીતા, સુનિલ લહેરી લક્ષ્મણ, સ્વ.દારાસિંહ હનુમાન અને સ્વ.અરવિંદ ત્રીવેદી રાવણના રોલમાં અનોખી છાપ છોડી ગયા હતા.આ શો મૂળરૂપે 25 મી જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી અને તે ખૂબ જ લોકપ્રિય થઈ હતી.
આ સિરીયલની વાપસીની એવા સમયે જાહેરાત થઈ કે જયારે ઓમરાઉત નિર્દેશીત આદિપુરૂષની તુલના દુરદર્શનની રામાયણ સાથે થઈ રહી છે. નિર્માતા દ્વારા ‘રામાયણ’નો પ્રોમો રીલીઝ થયા બાદ દર્શકોએ ખુશી વ્યકત કરી છે અને કોમેન્ટમા લખ્યું છે-જય સીયારામ.