મુંબઈ-મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ બેના મોત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનુ એલર્ટ
મુંબઈમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો હિમાચલમાં ભૂસ્ખલનથી ચારના મોત

નૈઋત્ય ચોમાસુ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વધુને વધુ જમાવટ કરવા લાગ્યુ છે ત્યારે મુંબઈ-મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ છે. મુંબઈમાં શાંતાક્રુઝ ક્ષેત્રમાં પાંચ ઈંચ તથા કોલાબામાં બે ઈંચ વરસાદ થયો હતો. અનેક ભાગો જળબંબાકાર બન્યા હતા અને નાની-મોટી દુર્ઘટના થઈ હતી. મુંબઈના મલાડમાં ઝાડ પડતા કૌશલ દોશી નામના યુવાનનું મોત થયું હતું.
આ સિવાય થાણે-પાલઘરમાં પણ મુશળધાર વરસાદથી જળબંબાકાર સાથે ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા. છેલ્લા બે દિવસમાં પુરના પાણીમાં તણાઈ જતા બે લોકોના મોત થયા હતા. બીજી તરફ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પર્વતીય રાજય હિમાચલમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ ભૂસ્ખલન થતા 100થી વધુ રસ્તા બંધ થયા હતા. એક કારને દુર્ઘટના સર્જાતા ચાર લોકોના મોત થયા હતા. પશ્ચીમ બંગાળમાં કોલકતા સહિતના 20 શહેરોમાં ભારે વરસાદથી જોરદાર ટ્રાફીકજામ થયો હતો.