બબ્બે ફાઉલ છતાં હાર ન માની: નીરજ ચોપડાએ 87.66 મીટર દૂર ભાલો ફેંકી જીત્યો ગોલ્ડ મેડલ
વર્ષનો બીજો અને કરિયરનો આઠમો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીત્યો

લુસાને ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ 87.66 મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે આ ગોલ્ડ મેડલ પોતાના પાંચમા પ્રયાસમાં જ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટની શરૂઆત નીરજ માટે બહુ ખાસ રહી ન્હોતી. તેનો પહેલો થ્રો ફાઉલ થયો હતો પરંતુ આ પછી તેણે દમદાર વાપસી કરી જર્મનીના જૂલિયન વીબર અને ચેક ગણરાજ્યના યાકૂબ વાદલેજ્ચેને પાછળ છોડીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
નીરજનો આ આઠમો આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે. આ પહેલાં તેણે એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક જેવી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે આ વર્ષમાં નીરજના ખાતામાં આ બીજો ગોલ્ડ મેડલ જમા થયો છે. આ પહેલાં તેણે દોહા ડાયમંડ લીગમાં પણ ગોલ્ડ મેડલ જ જીત્યો હતો.
લુસાને ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ પોતાની શરૂઆત ફાઉલથી કરી હતી. જો કે બીજો અને ત્રીજો પ્રયાસ દમદાર રહ્યો હતો. બીજા પ્રયાસમાં તેણે 83.52 મીટરનો થ્રો કર્યો જ્યારે ત્રીજો થ્રો 85.04 મીટરનો રહ્યો પરંતુ આ ત્રણ પ્રયાસોના સ્કોરના આધારે જર્મનીના જુલિયન વીબરે 86.20 મીટર દૂર થ્રો કરીને લીડ મેળવી લીધી હતી.
દરમિયાન નીરજનો ચોથો પ્રયાસ પણ ફાઉલ રહ્યો હતો. આ કારણથી તે દબાણમાં આવી ગયો પરંતુ પાંચમો પ્રયાસ તેનો ગોલ્ડન આર્મ સાબિત થયો અને 87.66 મીટર લાંબો થ્રો કરી દીધો હતો. આ થ્રો સાથે જ તે સૌથી આગળ થઈ ગયો હતો. જ્યારે તેનો અંતિમ અને પાંચમો થ્રો 84.15 મીટરનો રહ્યો હતો.
નીરજ ચોપડાને જર્મનીના જુલિયન વીબરે જોરદાર ટક્કર આપી હતી. વીબરે પોતાના અંતિમ પ્રયાસમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો હતો પરંતુ આ અંતર ગોલ્ડ મેડલ અપાવી શક્યું ન્હોતું અને તેણે સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે ચેક ગણરાજ્યનો યાકૂબ બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.