હવે લોગ ઈન કર્યા વગર ટવીટ નહીં જોઈ શકાય એલન મસ્કે કહ્યું, અમારો ડેટા લૂંટાઈ રહ્યો હતો
એલન મસ્કે ટવીટરની બાગડોર સંભાળ્યા બાદ દરરોજ કોઈને કોઈ ફેરફાર જોવા મળી રહ્યા છે

એલન મસ્કે ટવીટરની બાગડોર સંભાળ્યા બાદ દરરોજ કોઈને કોઈ ફેરફાર જોવા મળી રહ્યા છે. લોકો માટે દરરોજ નવા નવા નિયમો અમલી બનાવવામાં આવી રહ્યા છે તો દરરોજ યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખી નવા ફીચર્સ પણ ઉમેરાઈ રહ્યા છે.
દરમિયાન ટવીટરે એક નવો ફેરફાર કર્યો છે જે અનુસાર હવે યુઝર્સ લોગ ઈન કર્યા વગર કોઈ ટવીટ જોઈ શકશે નહીં. જો હવે તમે કોઈ ટવીટ જોવા માંગો તો તમારે ટવીટર પર પોતાની આઈડી બનાવવી પડશે.
ટવીટરના માલિક એલન મસ્કે કહ્યું કે, અમારો ડેટા એટલો લૂંટવામાં આવી રહ્યો હતો કે સામાન્ય યુઝર્સ માટે અપમાનજનક બની ગયું હતું. આ પહેલાં પણ અનેકવાર મસ્કે ઓપન એઆઈ સહિત અનેક અન્ય પ્લેટફોર્મ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ટવીટરે થર્હ પાર્ટી એપ્સ અને અભ્યાસુઓ પાસેથી એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ માટે ચાર્જ લેવાનું પણ શરૂ કરી દીધું છે.
કંપનીએ મસ્કના પ્લેટફોર્મ છોડનારા જાહેરાતદાતાઓને પરત લાવવા અને વેરિફિકેશન ચેક માર્ગને ટવીટર બ્લુ કાર્યક્રમનો હિસ્સો બનાવીને આવક વધારવાના અનેક ઉપાયો શરૂ કર્યો છે. મહિનાની શરૂઆતમાં ટવીટરે ડિઝિટલ જાહેરાતથી અલગ હટીને સોશ્યલ મીડિયા કંપનીના વ્યવસાયને પુનજીર્વિત કરવા માટે વીડિયો, નિર્માતા સહિતની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રીત કરવાની યોજનાની જાહેરાત કરી હતી.
દરમિયાન કર્ણાટક હાઈકોર્ટે ટવીટર દ્વારા ફેબ્રુઆરી-2021 અને 2022 વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા દસ બ્લોકિંગ આદેશને પડકારતી અરજીઓને ફગાવી દીધી છે જેમાં સોશ્યલ મીડિયા દિગ્ગજ કંપનીને 39 યુઆરએલ હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે ટવીટર કોઈ ખેડૂત કે કાયદાથી અપરિચિત કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એક અબજપતિ કંપની છે.