સૌરાષ્ટ્ર – કચ્છ

હવસ સંતોષી લીધા બાદ 13 વર્ષની બાળકી કોઈ પાસે મોઢું ન ખોલી શકે એટલે હંમેશ માટે ‘શાંત’ કરી દીધી !

ઘટનાને અંજામ આપ્યા બાદ મીત્રોને મળ્યો, બાળકીની શોધખોળમાં લાગ્યો, ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને પણ ગયો

રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર-ગુજરાતને હચમચાવી નાખે તેવી બાળકી પર હેવાનિયતની ગોઝારી ઘટના આજીડેમ વિસ્તારમાં આવેલા અમૂલ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગત તા.29ના રોજ બનવા પામી હતી. કુમળા ફૂલ જેવી 13 વર્ષીય સગીરા ઉપર કુખ્યાત શખ્સે હેવાનિયત આચરી તેનો દેહ પીંખવાની સાથે જ મોતને ઘાટ ઉતારી દેતા હેવાનને પકડવા માટે પોલીસે રાત-દિવસ એક કરી નાખ્યા હતા.

જેમાં સફળતા સાંપડી હોય તેવી રીતે બનાવ બન્યાના ગણતરીના દિવસોમાં જ આરોપી સુધી પહોંચી જઈને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ બાદ હેવાને એવી કબૂલાત આપી હતી કે બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેણે ‘તેં મારી સાથે જે પણ કર્યું છે તે હું બધાને કહી દઈશ’ તેવું કહેતા જ તેને મોતને ઘાટ ઉતારી નાખવાનું નક્કી કર્યું હતું અને ત્યારે જ બનાવની જગ્યાએ પડેલો લોખંડનો પાર્ટસ લઈને તેના પર તૂટી પડ્યો હતો !

આ અંગે ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે યુવરાજનગર પાસે આવેલા અમુલ ઈન્ડસ્ટ્રીઝ નામના બંધ કારખાનામાંથી ગત તા.29ના સાંજના સમયે અપહરણ થયેલી બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પ્રથમ દૃષ્ટિએ જોતા બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની શંકા પ્રબળ બની હતી. આ બનાવને ગંભીરતાને સમજતાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા તાત્કાલિક સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરવામાં આવી હતી જેમાં સાઉથ ઝોનના ઈન્ચાર્જ અને સાયબર ક્રાઈમના એસીપી વિશાલ રબારી, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, આજીડેમ પોલીસ મથકના પીઆઈ એલ.એલ.ચાવડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સીટની રચના બાદ પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઈમ, એસીપી ક્રાઈમ સહિતના માર્ગદર્શન હેઠળ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસમાં થોરાળા, ભક્તિનગર, આજીડેમ પોલીસ મથકના સ્ટાફ, ઝોન-1 પીએસઆઈ સહિતનાને પણ જોતરવામાં આવ્યા હતા. દરમિયાન જ્યાં આ બનાવ બન્યો ત્યાંના લોકોને વિશ્ર્વાસમાં લઈ ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા આ જઘન્ય કૃત્યને અંજામ આપવામાં હિસ્ટ્રિશીટર જયદીપ ઉર્ફે જયુ ઉમેશભાઈ પરમાર (સોવસીયા) (ઉ.વ.21)નો જ હાથ હોઈ શકે તે વાતની ખરાઈ થતાં જ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ કે.ડી.પટેલ તેમજ એ.એન.પરમારે વેશપલટો કરી રિક્ષા પેસેન્જરનો સ્વાંગ રચ્યો હતો અને જયદીપને પકડીને તેની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતાં તેણે ગુનાની કબૂલાત આપી દીધી હતી.

પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે રિક્ષામાં બેસેલા પેસેન્જરો ઉપર ઉલટી-ઉબકા કરવાનો ડોળ કરી પાકિટ ચોરી લેવાની પ્રવૃત્તિ કરતા જયદીપને તેના અન્ય મીત્રો મારફતે મૃતક બાળકીના સગા કાકા સાથે પરિચય થયો હતો. આ પછી મીત્રતાના દાવે તે અવાર-નવાર બાળકીના ઘેર જતો હોવાથી તેની નિયત બગડી હતી અને બાળકી પર દુષ્કર્મ કરવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ બનાવના દિવસે મૃતક બાળકી નિત્યક્રમ પ્રમાણે પોતાના ઘરની નજીક આવેલા અને ઘણા સમયથી બંધ પડેલા અમૂલ ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં એકલી લાકડા વીણવા જતી હતી ત્યારે જ જયદીપ ત્યાંથી પસાર થઈ રહ્યો હોવાથી તેની નજર બાળકી પર પડી હતી.

આ પછી તે પણ કારખાનામાં ઘૂસ્યો હતો જ્યાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકી પર દુષ્કર્મ થતાં તેણે રડતાં રડતાં જયદીપને એમ કહ્યું હતું કે તે આ બધું જ પરિવારના લોકોને કહી દેશે…આ સાંભળતા જ જયદીપ ડરી ગયો હતો એટલા માટે જ તેણે બાળકીને ત્યાં જ પતાવી દેવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. આ પછી જયદીપે કારખાનામાં જ પડેલો લોખંડનો પાર્ટસ ઉઠાવીને બાળકીને માથામાં તેમજ મોઢા અને શરીરના અન્ય ભાગો ઉપર એક પછી એક ઘા ફટકારવાનું શરૂ કરીને તેને મારી નાખી હતી. જઘન્ય ઘટનાને અંજામ આપ્યા બાદ જાણે કે કશું થયું જ નથી તેવો ડોળ કરીને ત્યાંથી નીકળી ગયો હતો અને બાળકીની શોધખોળમાં હોય તેવું નાટક કરવા લાગ્યો હતો !!

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી જયદીપ ઉર્ફે જયુ પરમાર ઉપર ગાંધીગ્રામમાં બે તેમજ આજીડેમ અને કૂવાડવા પોલીસ મથકમાં પાકિટમારી સહિતના ચાર ગુના નોંધાયેલા છે. આ તમામ ગુના એક જ વર્ષમાં નોંધાયા હતા. (તસવીર: દેવેન અમરેલિયા)

હેવાનની હિંમત તો જુઓ: ઘટનાને અંજામ આપ્યા બાદ મીત્રોને મળ્યો, બાળકીની શોધખોળમાં લાગ્યો, ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને પણ ગયો !!
અત્યંત જઘન્ય કહી શકાય તેવા અપરાધને અંજામ આપ્યા બાદ જયદીપ ઉર્ફે જયુને જાણે કે તે કોઈ દિવસ પકડાશે જ નહીં તેવો ફાકો લાગી ગયો હોય તેવી રીતે બાળકી પર દુષ્કર્મ-હત્યા કર્યા બાદ તે તેના મીત્રોને પણ મળ્યો હતો. આ પછી બાળકીની શોધખોળમાં લાગી ગયો હતો. સૌથી મહત્ત્વની વાત એ ગણી શકાય કે જ્યારે બાળકીના પરિવારજનો આજીડેમ પોલીસ મથકે બાળકીના અપહરણની ફરિયાદ નોંધાવવા માટે ગયા ત્યારે પણ જયદીપ ત્યાં હાજર હતો અને તેણે કેવી રીતે ફરિયાદ નોંધાવાઈ રહી છે, પોલીસ શું શું પ્રશ્ર્નો પૂછી રહી છે તે સહિતની બાબતો પર નજર રાખી હતી. જો કે પાપ ક્યારે છૂપું રહેતું ન હોય તેવી રીતે આખરે આ ઘટનાને અંજામ આપવામાં જયદીપનો જ હાથ હોવાનું ખુલ્યું હતું અને તે પકડાઈ ગયો હતો.

જયદીપ અપરિણીત, પિતા હયાત નથી, માતાએ બીજે લગ્ન કરી લીધા છે: ફૂટપાથ તેમજ પુલ નીચે જ પડ્યો પાથર્યો રહેતો
ક્રાઈમ બ્રાન્ચે દુષ્કર્મ-હત્યા કરનાર આરોપી જયદીપ ઉર્ફે જયુ ઉમેશભાઈ પરમાર (સોવસીયા)ની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછમાં તેણે એવું જણાવ્યું છે કે તેપોતે અપરિણીત છે જ્યારે તેના પિતા ઉમેશભાઈ પરમાર હયાત નથી તો માતાએ બીજે લગ્ન કરી લીધા છે. તેનું કોઈ ચોક્કસ ઠેકાણું ન હોવાનું અને તે રેલવે સ્ટેશનની ફૂટપાથ, ગોંડલ ચોકડીના પુલ તેમજ આજી ડેમ ચોકડીના પુલ નીચે જ પડ્યો પાથર્યો રહેતો હતો. પોલીસે જયદીપ ભીખ માંગતો હોવાનું જાહેર કર્યું છે પરંતુ તે રિક્ષા ગેંગમાં સામેલ થઈને પેસેન્જરોના પર્સ ચોરી લેતો હોવાનું પણ ખુલ્યું છે. જયદીપ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના મુળનો વતની હોવાનું જાહેર કરાયું છે.

આજી ડેમ પોલીસે જયદીપનો મોબાઈલ નંબર લીધો જે કામ કરી ગયો
જ્યારે બાળકી ગુમ થઈ તે 27 જૂને આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. બરાબર આ વેળાએ જ જયદીપ ત્યાંથી પસાર થતો હોય તેને અટકાવી પેટ્રોલિંગમાં સામેલ એક કોન્સ્ટેબલ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ વખતે જયદીપે એવું કહ્યું હતું કે તેના સમાજની એક બાળકી ગુમ થઈ ગઈ હોય તેની શોધખોળ કરવા માટે તે અહીં આવ્યો છે. જો કે કોન્સ્ટેબલે સમયસુચકતા વાપરી ત્યારે જ જયદીપનો મોબાઈલ નંબર લઈ લીધો હોવાથી તે કામ કરી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન હત્યા બાદ પોલીસને જયદીપ ઉપર દૃઢ શંકા હોવાથી તેનો મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યો હતો જેમાં બનાવના દિવસે તેની હાજરી કારખાનામાં હોવાનું ફલિત થવા ઉપરાંત અચાનક ફોનનું સ્વિચ ઑફ થઈ જવું અને જયદીપનું ગાયબ થઈ જવું પણ શંકાસ્પદ હોય પોલીસે તેની ધરપકડ કરીને આગવી ઢબે સરભરા કરતા જ તે પોપટ બની ગયો હતો.

આજીડેમ પોલીસે જેના પર શંકા હતી તે ભાવેશને પણ કસ્ટડીમાં લીધો’તો પણ તે ટસનો મસ ન્હોતો થયો
જાણવા મળ્યા પ્રમાણે પોલીસને જયદીપ ઉપરાંત ભાવેશ નામના શખ્સ ઉપર શંકા હતી એટલા માટે જ ભાવેશને પણ કસ્ટડીમાં લઈને તેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તે આ મામલે ટસનો મસ થયો ન્હોતો અને તેણે આ ઘટનાને અંજામ નહીં આપ્યો હોવાની વાત પકડી રાખી હતી. આખરે જયદીપ જ આ ઘટનામાં સામેલ હોવાનું ફલિત થતાં ભાવેશને છોડી મુકવામાં આવ્યો હતો.

જો બાળકીએ ‘હું બધાને કહી દઈશ’ તેવું ન કહ્યું હોત તો કદાચ બચી ગઈ હોત
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીએ જયદીપને ‘તેં મારી સાથે જે જે કર્યું છે તે હું બધાને કહી દઈશ’ તેવું કહ્યું હતું. આ સાંભળતાં જ જયદીપ ગભરાઈ ગયો હતો અને તેણે બાળકીને કાયમ માટે ‘શાંત’ કરી દેવાનું નક્કી કરી લીધું હતું એટલા માટે જ બાળકી કારખાનાની બહાર નીકળે તે પહેલાં જ તેનું ઢીમ ઢાળી દેવા માટે ત્યાં જ પડેલો લોખંડનો પાર્ટસ લઈને તેના પર તૂટી પડ્યો હતો. જો બાળકીએ જયદીપને ‘હું બધાને કહી દઈશ’ તેવું ન કહ્યું હોત તો કદાચ તે બચી પણ ગઈ હોત તેવું જાણકારોનું માનવું છે.

આખરે પોલીસ જયદીપ સુધી કેવી રીતે પહોંચી ?
આ ઘટનામાં જયદીપ જ સામેલ છે અને પોલીસ તેના સુધી કેવી રીતે પહોંચી તે ખુલાસા પર એક નજર કરવામાં આવે તો પોલીસને શરૂઆતથી જ જયદીપ ઉપર શંકા હતી પરંતુ તે જાણે કે ‘શાણો’ હોય તેવી રીતે બાળકીના પરિવારની સાથે જ રહ્યો હતો અને બધી જ જગ્યાએ તેની હાજરી જોવા મળી હતી. આ પછી પોલીસે શંકાસ્પદ લાગતા ફોનને ટ્રેસ પર મુક્યા હતા જેમાં જયદીપનો નંબર પણ સામેલ હતો કેમ કે તે નંબર આજી ડેમ પોલીસ દ્વારા જયદીપ પાસેથી જ લેવામાં આવ્યો હતો તે નંબર પણ ટ્રેસ પર હતો. ત્યારબાદ બાળકીના પોસ્ટમોર્ટમ તેમજ તેની અંતિમવિધિ વખતે કોણ કોણ ગેરહાજર હતું તેના ઉપર પણ પોલીસે વૉચ રાખી હતી. આ વેળાએ પણ જયદીપ ગેરહાજર જણાયો હતો. આ ઉપરાંત જ્યારે ઘટના બની ત્યારે જયદીપનો નંબર ત્યાં હતો કે નહીં તેની ખરાઈ કરવામાં આવી હતી. આ સઘળી કાર્યવાહી થયા બાદ ઘટનાને જયદીપે જ અંજામ આપ્યો હોવાનું ખુલતાં પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી.

જઘન્ય અપરાધ જયદીપે કર્યો હોવાનું ખુલતાં જ ક્રાઈમ બ્રાન્ચના બે પીએસઆઈ વેશપલટો કરીને તેને પકડવા પહોંચ્યા
દુષ્કર્મ-હત્યાના જઘન્ય અપરાધને જયદીપે જ અંજામ આપ્યો હોવાનું દૃઢપણે ખૂલતાં પોલીસે તેને દબોચી લેવા માટે જાળ બીછાવી હતી. જો કે જયદીપ ચાલાક હોવાથી તેને જરા અમથી પણ ગંધ આવી જશે તો તે નાસી જાય તેવી સ્થિતિ હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચના બે પીએસઆઈ કે.ડી.પટેલ તેમજ પીએસઆઈ એ.એન.પરમારે રિક્ષાના મુસાફરોનો સ્વાંગ રચીને જયદીપ સુધી પહોંચી ગયા હતા અને તેને પકડી પાડ્યો હતો. આમ ફરીવાર પોલીસે કરેલો વેશપલટો કામ કરી ગયો હતો અને આરોપી દબોચાઈ ગયો હતો.

ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખનાર પોલીસ અધિકારીઓ-જવાનો
રાજકોટને હચમચાવી નાખે તેવો દુષ્કર્મ-હત્યાનો બનાવ ઉકેલી નાખવા માટે પોલીસે આકાશ-પાતાળ એક કરી દીધા હતા. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા તાત્કાલિક સીટની રચના કરવામાં આવી હતી સાથે સાથે આખેઆખી ક્રાઈમ બ્રાન્ચ સહિતની મહત્ત્વની બ્રાન્ચોને તપાસમાં જોતરી દેવામાં આવી હતી જેના પરિણામે આ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અત્યંત પ્રશંસનીય કહી શકાય તેવી આ કામગીરી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયા, સાઉથ ઝોનના ઈન્ચાર્જ એસીપી તેમજ સાયબર ક્રાઈમ એસીપી વિશાલ રબારી સહિતના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, બી.ટી.ગોહિલ, એસઓજી પીઆઈ જે.ડી.ઝાલા, આજીડેમ પોલીસ મથકના પીઆઈ એલ.એલ.ચાવડા, ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયા, થોરાળા પોલીસ મથકના પીઆઈ એલ.કે.જેઠવા ઉપરાંત ઝોન-1 એલસીબી પીએસઆઈ બી.વી.બોરીસાગર, ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ કે.ડી.પટેલ, એ.એન.પરમાર, એ.એસ.ગરચર સહિતના સ્ટાફે કામગીરી સુપેરે પાર પાડી હતી.

બનાવ બન્યાથી લઈ ઉકેલ ન આવ્યો ત્યાં સુધી પોલીસે ઉંઘને સાઈડમાં મુકી દીધી
રાજકોટમાં કદાચ ક્યારેય ન બની હોય તેવી બાળકી પર દુષ્કર્મ ગુજારાયા બાદ હત્યાની ઘટના બનતાં જ પોલીસ બેચેન બની ગઈ હતી અને ગમે તે થાય આરોપીને ગણતરીના દિવસોમાં જ પકડી લેવાનો દૃઢ નિર્ધાર કરી લીધો હતો. એકંદરે બાળકીનો મૃતદેહ મળ્યાથી લઈ આરોપી જયદીપ ઉર્ફે જયુ પકડાઈ ન ગયો ત્યાં સુધી તપાસમાં જોડાયેલા એક પણ પોલીસ કર્મી કે અધિકારીએ પૂરતી ઉંઘ કે પૂરતું ભોજન લીધું ન્હોતું અને રાઉન્ડ ધ ક્લોક દોડધામ કરીને આરોપીને પકડી પાડ્યો હતો જે બદલ રાજકોટ પોલીસની અત્યારે ભરપૂર પ્રશંસા થઈ રહી છે.

બનાવનું સ્થળ તો ઠીક આસપાસ પણ ક્યાંય સીસીટીવી કેમેરો નહીં; પોલીસ માટે ઘાસમાંથી સોઈ ગોતવા જેવું કપરું કામ છતાં મેળવી સફળતા
અમુલ ઈન્ડસ્ટ્રીઝના બંધ પડેલા કારખાનામાં દુષ્કર્મ-હત્યાને અંજામ આપ્યો હોવાની ઘટના બનતાં જ પોલીસે આરોપીને દબોચી લેવા માટે ચારે દિશામાં દોડધામ શરૂ કરી દીધી હતી. અત્યારના સમયમાં કોઈ પણ ગુનાનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ મહત્ત્વના સાબિત થતા હોય છે પરંતુ પોલીસનું ‘નસીબ’ એક પગલું પાછળ હોય તેવી રીતે જ્યાં આ બનાવ બન્યો ત્યાં તો ઠીક પરંતુ આસપાસ મતલબ કે અમુલ ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં વીજળી કટ થઈ ગઈ હોવાથી ત્યાંના સીસીટીવી બંધ હતા. આટલું ઓછું હોય તેમ કારખાનાની આસપાસ સચોટ ગણી શકાય તેવા સીસીટીવી ફૂટેજ ન હોવાથી પોલીસની ભાષામાં આ બનાવ ‘બ્લાઈન્ડ સ્પોટ’ બની ગયો હતો અને ઘાસમાંથી સોઈ ગોતવા જેવું કપરું કામ બની ગયું હતું આમ છતાં આકાશ-પાતાળ એક કરીને પોલીસે સફળતા મેળવી લીધી છે.

આરોપીને આકરામાં આકરી સજા મળે તે માટે ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરશે પોલીસ: ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરાવાશે
ફૂલ જેવી બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા નિપજાવી નાખવાના સનસનાટીજનક બનાવમાં પોલીસે આરોપી જયદીપ ઉર્ફે જયુ પરમારને પકડી લીધા બાદ તેને આકરામાં આકરી સજા મળે અને તેમાં કોઈ જ પ્રકારનો વિલંબ ન થાય તે માટે ઝડપથી આ કેસનું ચાર્જશીટ ફાઈલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત આરોપી પાસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવશે. આરોપીનો કબજો આજીડેમ પોલીસને સોંપવામાં આવ્યો છે ત્યારે હવે જયદીપને રિમાન્ડની માંગ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તે દરમિયાન જ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button