ગુજરાત

16 જૂલાઈએ હિરાસર એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

લાયસન્સ ઈશ્યુની પ્રક્રિયા એક સપ્તાહમાં પૂર્ણ કરી દેવાશે: આજે સુરક્ષા સહિતના બાબતે DGCAની ટીમ કરશે બેઠક: ઉદ્ઘાટનના એક મહિના બાદ સંપૂર્ણ ઓપરેશન હિરાસર એરપોર્ટથી જ થશે

રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્રના લોકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે તેનો અંત આવી રહ્યો હોય તેવી રીતે દસ દિવસ બાદ રાજકોટની ભાગોળે હિરાસર ખાતે નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન હિરાસર એરપોર્ટ તૈયાર થઈ ચૂક્યું છે અને 16 જૂલાઈએ વડાપ્રધાન મોદીના હસ્તે જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવનાર હોવાનું સત્તાવાર અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હિરાસર એરપોર્ટ તૈયાર થતાંની સાથે જ સૌરાષ્ટ્રવાસીઓને એક મોટી ભેટ મળી જશે જેનો તેઓ વર્ષોથી ઈન્તેજાર કરી રહ્યા છે.

આ અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે 16 જૂલાઈએ હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન થઈ ગયાના એક વર્ષ બાદ હિરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉડાન ભરશે. આ અંગે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એએઆઈ) દ્વારા રાજકોટના સ્થાનિક તંત્રને ઉદ્ઘાટનની તારીખ અંગેનો પત્ર લખ્યો હોવાની માહિતી મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા ઉદ્ઘાટનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આજે જિલ્લા કલેક્ટર હિરાસર એરપોર્ટની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરશે. વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ઉદ્ઘાટન થયાના એક મહિના બાદ જૂનું એરપોર્ટ બંધ કરીને સંપૂર્ણ ઓપરેશનલ પ્રક્રિયા હિરાસર એરપોર્ટ પરથી જ કરવામાં આવશે.

► સૌરાષ્ટ્રના લોકોને મળશે મોટી ભેટ: ઉદ્ઘાટન થયાના એક વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ ભરશે ઉડાન: હાલ ડૉમેસ્ટિક ફ્લાઈટ જ ચાલું થશે: એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાએ રાજકોટના તંત્રને પત્ર લખીને ઉદ્ઘાટનની તારીખ અંગે વાકેફ કર્યું હોવાનો અહેવાલ: ઉદ્ઘાટન ન થાય ત્યાં સુધી હિરાસર એરપોર્ટ ઉપર પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

અત્યારે લાયસન્સ સહિતની પ્રક્રિયા માટે ડીજીસીએના ડેપ્યુટી ડાયરેક્ટર (ઓપરેશન્સ) પ્રમોદ કુમાર અને ડેપ્યુટી ડાયરેક્ટર સત્યપ્રકાશ રાય સહિતની ટીમ રાજકોટમાં જ છે. ગઈકાલે તેમણે કરેલા ઈન્સ્પેક્શન દરમિયાન લાયસન્સની પ્રક્રિયા હાથ ધરી હતી જે એક સપ્તાહની અંદર પૂર્ણ થઈ ગયા બાદ હિરાસર એરપોર્ટને લાયસન્સ ઈશ્યુ થઈ જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે આજે બીજા દિવસની સમીક્ષા બેઠકમાં સુરક્ષા સહિતના મુદ્દાઓ ચર્ચાના અગ્રસ્થાને રહેશે જેમાં જૂના એરપોર્ટ અને હિરાસર એરપોર્ટના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.સૌરાષ્ટ્રવાસીઓએ હિરાસર એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ઉડાન માટે એક વર્ષનો ઈન્તેજાર કરવો પડશે કેમ

કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના સંચાલન માટે મુખ્ય બિલ્ડિંગ, ઈમિગ્રેશન, કસ્ટમ સહિતના વિભાગો કાર્યરત હોવા જરૂરી છે જે તૈયાર થતાં એક વર્ષ જેટલો સમય લાગી શકે તેવી શક્યતા તંત્ર દ્વારા વ્યકત કરવામાં આવી છે. એકંદરે તારીખ જાહેર થયા બાદ હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન ન થાય ત્યાં સુધી ત્યાં સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે. સાથે સાથે વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થનાર હોવાને કારણે તેની તૈયારીઓ માટે પણ અધિકારીઓમાં જબદરસ્ત દોડધામ જોવા મળી રહેશે. સૂત્રોએ એવી સંભાવના પણ વ્યક્ત કરી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું પ્લેન હિરાસર એરપોર્ટના રન-વે ઉપર લેન્ડીંગ કરી શકે છે. આ અંગેની તમામ પ્રકારની જાણકારી એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા દ્વારા સ્થાનિક તંત્રને ટૂંક સમયમાં આપવામાં આવશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button