હવે દંડ ભરવા લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં ટ્રાફિક કોર્ટ વાહન માલિકોને મોકલશે નોટિસ
ઇ-મેમો કેસને લઇ હવે અરજદારોએ પોલીસ સ્ટેશન સુધી ધક્કા નહીં ખાવા પડે, ગુજરાત હાઇકોર્ટે લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં વધુ 20 ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્યના નવસારી, પંચમહાલ, ભાવનગર, દાહોદ, પોરબંદર, તાપી, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને જૂનાગઢમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવશે. ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થયા બાદ અરજદારોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા નહીં ખાવા પડે.
હવે દંડ ભરવા લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં
સરળ શબ્દોમાં કહીએ તો ટ્રાફિકના નિયમ બદલ ફટકારવામાં આવેલો દંડ ભરવા હવે લાઈનમાં ઉભા રહેવું પડશે નહીં. ચાલકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, નેટ બેન્કિંગ વગેરે માધ્યમોથી દંડ ભરી શકાશે. તો આ કોર્ટ શરૂ થયા બાદ કેસનું પેન્ડિંગ પણ ઘટશે. આ માટે હાઇકોર્ટના IT સેલ દ્વારા જે-તે કોર્ટના સર્વરમાં મેમોની વિગતો મોકલી અપાશે.
ટ્રાફિક કોર્ટ વાહન માલિકોને મોકલશે નોટિસ
ચાલકો ઈ-ચલણના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરે તો 90 દિવસ બાદ આપમેળે ઈ-મેમો વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વરમાં મોકલી દેવામાં આવે છે. જે બાદ વાહન માલિકોને ફોન SMS દ્વારા નોટિસ મોકલવામાં આવે છે. આ SMSમાં ઓનલાઈન દંડ ભરવાની લિંક પણ હોય છે. કોર્ટ શરૂ થતાં ઈ-મેમો અને ટ્રાફિક દંડ સંબધિત કેસો અંગે અરજદારોને દિવસો સુધી પોલીસ સ્ટેશનઅને કોર્ટમાં પોતાના કેસનો નંબર આવવાની વાટ જોવી નહીં પડે.
ક્યાં ક્યાં શરૂ કરાશે ઈ-ટ્રાફિક કોર્ટ?
– અમદાવાદમાં ધોલેરા
– નવસારીના સુબિર, ખેરગામ અને વઘઇ
– તાપીના ઉચ્છલ
– સાબરકાંઠાના પોશીના
– બનાસકાંઠામાં સુઇગામ અને દાંતા,
– પાટણના શંખેશ્વર
– પંચમહાલના જામ્બુઘોડા
– ભાવનગરના જેસર
– દાહોદના સંજેલી અને ધાનપુર
– પોરબંદરના કુતિયાણા
– અમરેલીના લીલીયા, કુંકાવાવ અને ખાંભા
– જૂનાગઢના ભેસાણ
– ગીર સોમનાથના ગીર ગઢડા
– સુરેન્દ્રનગરના લખતર