લોકમેળામાં પણ મતદાર યાદીમાં નવા નામ-સુધારાની થશે કામગીરી
મોંઘવારીના મારથી 355 સ્ટોલ-પ્લોટ માટે 10 દિવસમાં માત્ર 225 ફોર્મ ઉપડયા

રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.5થી 9 સપ્ટેમ્બર દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલ જન્માષ્ટમીના લોકમેળા અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ લોકમેળામાં આ વખતે મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા તેમજ મતદારોના સરનામામાં સુધારા વધારાની પણ કામગીરી કરવામાં આવશે.
આ માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં અલગથી ખાસ સ્ટોલ ફાળવવામાં આવનાર છે. મતદારયાદીની આ કામગીરી માટે વહીવટી તંત્ર દ્વારા શહેરની ત્રણેય મામલતદાર કચેરીના ઓર્ડરો પણ ઈશ્યુ કરી દેવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે ચૂંંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં આગામી તા.21થી ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવનાર છે. આ દરમ્યાન હવે લોકમેળામાં પણ મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા અને મતદારોના નામ સરનામામાં સુધારા વધારા કરવા માટેની પણ કામગીરી કરાશે.
લોકમેળાના 355 સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ઉપાડવામાં આ વખતે મોંઘવારીનો માર નડી રહ્યો હોય છેલ્લા 10 દિવસ દરમ્યાન 225 જેટલા ફોર્મ ઉપડયા છે. જો કે એક પણ ફોર્મ ભરાઈને સબમીટ થયા નથી. તેની સાથોસાથ લોકમેળા સમિતિ દ્વારા હવે લોકમેળાના મુખ્ય સ્ટેજ અને સિકયુરીટી માટે ખાસ ટેન્ડર પ્રસિધ્ધ કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરાયેલ છે.