રમત ગમત

વેસ્ટ ઈન્ડિઝ સામે રોહિત-યશસ્વીએ રનની સાથે રેકોર્ડનો કર્યો ઢગલો: ભારતે મેળવી 162 રનની લીડ

ડોમિનિકાના મેદાન પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે બીજા જ દિવસે 162 રનની મહત્ત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે. વિન્ડિઝે પહેલી ઈનિંગમાં 150 રન બનાવ્યા બાદ તેના જવાબમાં ભારતે બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યાં સુધીમાં બે વિકેટે 312 રન ખડકી દીધા છે. આ સાથે જ ટીમના ઓપનર તેમજ કેપ્ટન રોહિત શર્મા અને ડેબ્યુ મેચ રમી રહેલા યશસ્વી જયસ્વાલે રનોની સાથે રેકોર્ડનો પણ ઢગલો કરી દીધો છે.

આ બન્ને પહેલીવાર ટેસ્ટમાં એક સાથે બેટિંગ કરી રહ્યા હતા. બીજી બાજુ મેચની વાત કરવામાં આવે તો રોહિત શર્મા 103 રન બનાવીને આઉટ થયો છે જ્યારે શુભમન ગીલ પણ 6 રન બનાવી પેવેલિયન પરત ફરી ગયો છે. હાલ ક્રિઝ ઉપર યશસ્વી જયસ્વાલ 143 અને વિરાટ કોહલી 36 રને રમતમાં છે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી પણ છે. આ પહેલા વર્ષ 2002માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વીરેન્દ્ર સેહવાગ અને સંજય બાંગર વચ્ચે 201 રનની ભાગીદારી જોવા મળી હતી.

વિદેશી ધરતી પર ડેબ્યૂમાં ટેસ્ટ લગાવનારો પહેલો ભારતીય બન્યો યશસ્વી
યશસ્વી વિદેશી ધરતી પર ઓપનર તરીકે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. આ પહેલા સુધીર નાઈકે ઈંગ્લેન્ડ (1974)માં 77 રન બનાવ્યા હતા. જ્યારે સુનીલ ગાવસ્કરે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં 65 રન બનાવ્યા હતા. યશસ્વીએ બધાને હરાવ્યા છે. એકંદરે, શિખર ધવન અને પૃથ્વી શૉએ ઓપનર તરીકે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી છે. પરંતુ આ સદી ઘરેલું ટેસ્ટમાં આવી.

આ સિવાય યશસ્વી ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ઓવરઓલ ભારતીયોમાં 17મો બેટ્સમેન બની ગયો છે. એટલે કે તેના પહેલા 16 ભારતીય બેટ્સમેન ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી ચૂક્યા છે. જો આપણે બેસ્ટ સ્કોર વિશે વાત કરીએ તો ડેબ્યૂ ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોરનો રેકોર્ડ ધવનના નામે છે, જેણે માર્ચ 2013માં મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 187 રન બનાવ્યા હતા. યશસ્વી ત્રીજા દિવસે પણ રમતની શરૂઆત કરશે, આવી સ્થિતિમાં આ રેકોર્ડ પણ તૂટી શકે છે.

છઠ્ઠી વખત ભારતના બંને ઓપનરોએ પ્રથમ ઈનિંગ્સમાં સદી ફટકારી
ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં આ છઠ્ઠી વખત બન્યું છે જ્યારે બંને ઓપનિંગ બેટ્સમેન સદી ફટકારવામાં સફળ રહ્યા છે. આ પહેલા બાંગ્લાદેશ સામેની ફતુલ્લા ટેસ્ટ મેચ દરમિયાન મુરલી વિજય અને શિખર ધવનની જોડીએ ભારત માટે છેલ્લી વખત આ કારનામું કર્યું હતું.

જયસ્વાલે ડેબ્યૂમાં સૌથી વધુ બોલનો સામનો કર્યો
જયસ્વાલે બીજા દિવસની રમતના અંતે 350 બોલનો સામનો કર્યો હતો, જે ટેસ્ટ ડેબ્યૂમાં કોઈ ભારતીય દ્વારા સૌથી વધુ છે. આ રેકોર્ડ અગાઉ મોહમ્મદ અઝહરુદ્દીનના નામે હતો, જે તેણે 1984માં ઈંગ્લેન્ડ સામે ઈડન ગાર્ડન્સમાં 110 રનની ઈનિંગ દરમિયાન બનાવ્યા હતા. ત્યારે આટલા રબન બનાવવા તેમણે 322 બોલનો સામનો કર્યો.

જયસ્વાલે ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો
સૌરવ ગાંગુલીનો સ્કોર 1996માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની ડેબ્યૂ મેચમાં 131 રન હતો. જે જયસ્વાલ (અણનમ 143)ના ડેબ્યૂ પહેલા વિદેશમાં ડેબ્યૂ કરનાર ભારતીય દ્વારા બનાવેલો સર્વોચ્ચ સ્કોર હતો.

કેપ્ટન રોહિત શર્મા તેની 10મી ટેસ્ટ સદી બાદ આઉટ
રોહિત શર્મા પોતાની 10મી ટેસ્ટ સદી પૂરી કરીને 103 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન તે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 3500 રન પૂરા કરવામાં સફળ રહ્યો. ટેસ્ટ ક્રિકેટમાં ભારત બહાર રોહિતની આ બીજી સદી હતી. આ પહેલા વિદેશમાં તેની પ્રથમ ટેસ્ટ સદી ઈંગ્લેન્ડમાં આવી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button