આખરે એશિયા કપનો કાર્યક્રમ જાહેર 14 દિ’માં ભારત-પાકિસ્તાન ત્રણ વખત ટકરાઈ શકે
ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે એશિયા કપના કાર્યક્રમનું આયોજન આખરે કરી દેવામાં આવ્યું છે

ભારતનો પહેલો મુકાબલો 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે, ત્યારપછી 10 સપ્ટેમ્બરે કોલંબોમાં ફરી ટકરાશે: બધું ગણિત પ્રમાણે રહ્યું તો ફાઈનલમાં બન્ને હશે આમને-સામને: ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો 30 ઑગસ્ટે પાકિસ્તાન-નેપાળ વચ્ચે મુલતાનમાં રમાશે: 17 સપ્ટેમ્બરે કોલંબોમાં ફાઈનલ: ચાર મેચ પાકિસ્તાન, નવ મેચ શ્રીલંકામાં રમાશે
ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે એશિયા કપના કાર્યક્રમનું આયોજન આખરે કરી દેવામાં આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી) દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ પ્રમાણે એશિયા કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 2 સપ્ટેમ્બરે કેન્ડી (શ્રીલંકા)માં પાકિસ્તાન સામેના મુકાબલાથી કરશે.
ત્યારબાદ 10 સપ્ટેમ્બરે કોલંબોમાં સુપર-4 રાઉન્ડમાં તેનો સામનો ફરી પાકિસ્તાન સામે જ થશે. ટૂર્નામેન્ટના પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાયા બાદ ટીમ ઈન્ડિયા એક દિવસના બ્રેક પછી ચાર સપ્ટેમ્બરે કેન્ડીમાં નેપાળ સામે જ મેદાને ઉતરશે.
છ ટીમોની આ વન-ડે ટૂર્નામેન્ટ 30 ઑગસ્ટથી પાકિસ્તાનના મુલતાનમાં શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન-નેપાળ વચ્ચે રમાશે. એશિયા કપ હાઈબ્રિડ મોડેલના આધારે રમાઈ રહ્યો છે જેના કારણે તેના ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે જ્યારે ફાઈનલ સહિત નવ મુકાબલા શ્રીલંકાના કેન્ડી અને કોલંબોમાં આયોજિત થશે. ફાઈનલ 17 સપ્ટેમ્બરે પ્રેમદાસા સ્ટેડિયમ પર રમાશે. ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ-એમાં તો અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ ગ્રુપ-બીમાં સામેલ છે.
એસીસી પ્રમુખ જય શાહે કહ્યું કે પહેલાં રાઉન્ડ બાદ પાકિસ્તાન તેમાં એ-1 અને ભારત એ-2 ટીમ તરીકે રહેશે પછી ભલે તેનું સ્થાન કોઈ પણ રહે. જો આ બન્નેમાંથી કોઈ પણ ટીમ ક્વોલિફાય નથી કરતી તો નેપાળ તેની જગ્યા લેશે. આ જ રીતે ગ્રુપ-બીમાં શ્રીલંકા બી-1 અને બાંગ્લાદેશ બી-2 ટીમ રહેશે. જો તેમાંથી કોઈ પણ ટીમ સુપર-4માં નથી પહોંચતી તો અફઘાનિસ્તાન તેની જગ્યા લેશે.
ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે એટલા માટે બન્નેની પહેલી ટક્કર ગ્રુપ સ્ટેજમાં જ થશે. આ પછી બન્ને સુપર-4 રાઉન્ડમાં એકબીજા સામે ટકરાશે. જો પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય કરે છે તો તેને એ-1 માનવામાં આવશે અને ભારત એ-2 રહેશે. ટીમના હાલના રેન્કીંગ અને સ્તરને જોતા એવું માની શકાય કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા સેમિફાઈનલમાં જશે. આ દૃષ્યિએ ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજો મુકાબલો એશિયા કપ ફાઈનલમાં થઈ શકે છે.