અંતિમ તબક્કામાં ચંદ્રયાન-3, આજે અલગ થશે લેન્ડર-પ્રોપલ્શન મોડ્યૂલ, 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે
ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા બુધવારે ચોથી વખત બદલવામાં આવી હતી અને તેણે ચંદ્રની ભ્રમણકક્ષાના પાંચમા અને અંતિમ તબક્કામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો

14 જૂલાઈએ શ્રીહરિકોટાથી રવાના થયા પછી ચંદ્રયાન-3એ ત્રણ અઠવાડિયામાં ઘણા તબક્કાઓ પૂર્ણ કર્યા હતા. 5 ઓગસ્ટે તે પ્રથમ વખત ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું હતું. આ પછી ચંદ્રયાન-3 છ, નવ અને 14 ઓગસ્ટના રોજ અલગ-અલગ તબક્કામાં પ્રવેશ્યું હતું. આ ત્રણ અઠવાડિયામાં ઈસરોએ ચંદ્રયાન-3ને પૃથ્વીથી દૂર ભ્રમણકક્ષામાં મૂક્યું હતું. SROના સૂત્રોના જણાવ્યા અનુસાર, અલગ થયા પછી લેન્ડરને ડીબૂસ્ટ (ધીમી કરવાની પ્રક્રિયા) કરવામાં આવશે જેથી તેને એક કક્ષામાં સ્થાપિત કરી શકાય જ્યાં પેરિલ્યૂન (ચંદ્રનું સૌથી નજીકનું બિંદુ) 30 કિમી અને એપોલ્યુન (ચંદ્રનું સૌથી દૂરનું બિંદુ) 100 કિમી દૂર છે. 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવશે.
ઈસરોના વડા એસ સોમનાથે કહ્યું કે આ વખતે અમે ચંદ્રયાન-2ની ભૂલનું પુનરાવર્તન નહીં કરીએ. ઉતરાણ પ્રક્રિયાની શરૂઆતમાં વેગ આશરે 1.68 કિમી પ્રતિ સેકન્ડ છે, પરંતુ આ વેગ ચંદ્રની સપાટીની આડી છે. અહીં ચંદ્રયાન-3 લગભગ 90 ડિગ્રી તરફ નમેલું છે, તે વર્ટિકલ હોવું જોઈએ તેથી વર્ટિકલ સુધી બદલવાની આ આખી પ્રક્રિયા ગાણિતિક રીતે ખૂબ જ રસપ્રદ ગણતરી છે. અમે ઘણા બધા સિમ્યુલેશન કર્યા છે. છેલ્લી વખતે અમને અહીં સમસ્યા આવી હતી. આ ઉપરાંત અમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે ઇંધણનો વપરાશ ઓછો થાય, અંતરની ગણતરી સાચી થાય અને તમામ અલ્ગોરિધમ્સ યોગ્ય રીતે કામ કરી રહ્યાં હોય.