વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બે દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી ગ્રીસથી સીધા કર્ણાટકના બેંગલુરુ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં સાઉથ આફ્રિકા બાદ ગ્રીસના પ્રવાસ પર પહોંચ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (25 ઓગસ્ટ) બે દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા પછી ગ્રીસથી સીધા કર્ણાટકના બેંગલુરુ જશે. તેઓ ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને મળશે અને તેમને અભિનંદન આપશે.
આ પહેલા પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે જો શક્ય હશે તો તેઓ ચંદ્રયાન-3ની સફળતા માટે વૈજ્ઞાનિકોને અંગત રીતે અભિનંદન આપશે. વાસ્તવમા જે સમયે ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું તે સમયે પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં હતા. ભારત બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બન્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન મોદી દિલ્હી જવાને બદલે પહેલા બેંગલુરુ જશે અને ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપશે. ચંદ્રયાનના સફળ લેન્ડિંગ પર પીએમ મોદીએ કહ્યું, “જ્યારે આપણે આવી ઐતિહાસિક ક્ષણો જોઈએ છીએ, ત્યારે આપણને ખૂબ જ ગર્વ અનુભવાય છે. આ નવા ભારતની સવાર છે.” તેમણે વધુમાં કહ્યું, “આપણે ધરતી પર સંકલ્પ કર્યો અને ચંદ્ર પર તેને સાકાર કર્યો હતો. ભારત હવે ચંદ્ર પર છે.” આ અવકાશયાન 14 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ગુરુવારે (24 ઓગસ્ટ) ચંદ્રયાન-3ના કેમેરામાં કેદ થયેલ લેન્ડિંગ સમયનો વીડિયો જાહેર કર્યો હતો. ISRO એ ટ્વીટ કર્યું (X) કે લેન્ડર ઈમેજર કેમેરાએ ચંદ્રની આ તસવીરો ટચડાઉન કરતા પહેલા કેપ્ચર કરી હતી. ચંદ્રયાન-3 ના પ્રજ્ઞાન રોવરે મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX), ISTRAC ને સંદેશ મોકલ્યો છે, “મૂન વોક શરૂ થઈ ગયું છે.” આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે મિશનની તમામ એક્ટિવિટી સમયસર થઈ રહી છે અને તમામ સિસ્ટમ સામાન્ય છે. લેન્ડર મોડ્યુલ પેલોડ્સ ILSA, RAMBHA અને ChaSTE ચાલુ કરવામાં આવ્યા છે.