વડોદરામાં મોડી રાત્રે વાહન ચેકિંગ દરમિયાન નશામાં ધૂત યુવતીએ મચાવ્યો તમાશો, પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ કરીને બોલ્યા અપશબ્દો
વડોદરામાં નશાની હાલતમાં રસ્તા પર પોલીસ સાથે હાથાપાઈ કરનાર યુવતી સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો છે

વાહન ચેકિંગ માટે યુવતીને રોકતા કર્યો ડ્રામા પોલીસકર્મચારી સાથે યુવતીએ કરી ધક્કામુક્કી યુવતીએ પોલીસકર્મચારીઓને બોલ્યા અપશબ્દો પોલીસે યુવતી વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો નોંધ્યો ગુનો
વડોદરામાં નશાની હાલતમાં રસ્તા પર પોલીસ સાથે હાથાપાઈ કરનાર યુવતી સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો છે. હાલ ગોત્રી પોલીસે યુવતીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગયા મહિને સર્જાયેલા ભયાનક અકસ્માત બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સતત ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને રાત્રી દરમિયાન વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગઈકાલે રાત્રે વડોદરાના ગોત્રી ગોકુળ નગર પાસે પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસની ટીમે એક કારને ચેકિંગ માટે રોકી હતી.
આ દરમિયાન કારચાલક યુવતી પોલીસ સાથે માથાકુટ કરવા લાગી હતી. ટીમે કાર ચેકિંગ કરવાનું કહેતા યુવતી ઉશ્કેરાઈ હતી, તે કારમાંથી નીચે ઉતરીને પોલીસ સાથે ધક્કામુક્કી કરવા લાગી હતી. યુવતીએ કારમાંથી બહાર આવીને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. મહિલા પોલીસકર્મીઓ દ્વારા યુવતીને સમજાવવા છતાં યુવતી પોલીસકર્મચારીઓને અપશબ્દો બોલી રહી હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે યુવતીએ ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીને લાફો માર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં યુવતી દારૂના ચિક્કાર નશામાં હોય તેવું લાગી રહ્યું છે. તે પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ રહી છે. જ્યારે પોલીસકર્મીઓ સતત તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુવતી નશાની હાલતમાં પોલીસકર્મચારીઓને અપશબ્દો બોલી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહામહેનતે મહિલા પોલીસની ટીમ નશેબાજ યુવતીને પોલીસ વાનમાં બેસાડે છે. હાલ ગોત્રી પોલીસે મોના હિંગુ નામની યુવતી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.