કેન્દ્ર સરકારે વન નેશન વન ઇલેક્શન માટે એક કમિટીની રચના કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ સમિતિની રચના કરવામાં આવી છે
કેન્દ્ર સરકારે 18-22 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વિશેષ સત્ર દરમિયાન ‘વન નેશન, વન ઈલેક્શન’ સંબંધિત બિલ રજૂ કરી શકે છે.

પેનલમાં અન્ય કોનો સમાવેશ કરવામાં આવશે તેની માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. સભ્યો અંગેનું જાહેરનામું પછીથી બહાર પાડવામાં આવશે. ‘વન નેશન, વન ઈલેક્શન’નો વિચાર એટલે દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી કરાવવામાં આવે.
કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવાના નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળોએ જોર પકડ્યું છે. ગુરુવારે (31 ઓગસ્ટ), સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વિટર પર લખ્યું કે આ વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાં પાંચ બેઠકો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા સંસદભવનમાં યોજાનાર આ સત્રમાં 10થી વધુ બિલ રજૂ કરવામાં આવી શકે છે. આ સત્રમાં અમૃતકાલની ઉજવણી પર ચર્ચા થઈ શકે છે.
વિશેષ સત્ર બોલાવવા પર ચર્ચાનું બજાર ગરમ છે. યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને મહિલા આરક્ષણ સંબંધિત બિલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બધાની વચ્ચે કલમ 370 પર સુનાવણી ચાલી રહી છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર એવી ચર્ચામાં પણ ચાલી રહી છે કે, સરકાર એક દેશ એક ચૂંટણી જેવો કાયદો લાવી શકે છે. જો કે, આ બધી અટકળો છે. સાચી માહિતી તો સત્ર શરુ થશે ત્યારે જ બહાર આવશે. સંસદનું વિશેષ સત્ર એવા સમયે બોલાવવામાં આવ્યું છે જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.