ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રામ મંદિરના ઉદ્ઘાટન માટે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચશે. જ્યારે તેઓ પાછા જશે ત્યારે વધુ એક ગોધરાકાંડ થવાની પૂરેપૂરી શક્યતા છે.
ભાજપ-આરએસએસ પર પણ નિશાન સાધ્યું

એકનાથ શિંદેએ જ્યારથી જૂની શિવસેના સામે બળવો કરીને ઉદ્ધવ ઠાકરેની સરકારને પાડી છે ત્યારથી ઉદ્ધવ ભાજપ પર સતત પ્રહાર કરી રહ્યા છે. દરમિયાન, શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. તેમણે રવિવારે એક રેલી દરમિયાન દાવો કર્યો હતો કે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે તો વધુ એક ગોધરાકાંડ થઈ શકે છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રામ મંદિરના ઉદ્ઘાટન માટે દેશભરમાંથી લોકો અયોધ્યા પહોંચશે. જ્યારે તેઓ પાછા જશે ત્યારે વધુ એક ગોધરાકાંડ થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉદ્ધવે કહ્યું કે સરકાર રામ મંદિરના ઉદ્ઘાટન માટે બસો અને ટ્રકમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરી શકે છે. આ તમામ લોકોના પાછા ફરતી વખતે જ ગોધરામાં ટ્રેન સળગાવવા જેવી ઘટનાને અંજામ અપાય તેવી શક્યતા છે.
હકીકતમાં, 27 ફેબ્રુઆરી 2002ના રોજ, સાબરમતી એક્સપ્રેસમાં સવાર થઈને અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકો પર ગુજરાતના ગોધરા સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ટ્રેનના જે કોચમાં મોટાભાગના કાર સેવકો મુસાફરી કરી રહ્યા હતા તેને આગ લગાડી દેવામાં આવી હતી. આ હુમલા બાદ સમગ્ર ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી અને હજારો લોકો તેમાં માર્યા ગયા હતા.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને આરએએસની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પાસે એવું કોઈ પ્રતીક નથી જેને લોકો પોતાનો આદર્શ માની શકે. લોકો સરદાર પટેલ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા વ્યક્તિત્વને અપનાવી રહ્યા છે. ઠાકરેએ કહ્યું કે ભાજપ અને આરએસએસ હવે તેમના પિતા બાળ ઠાકરેના વારસાનો દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બંનેને કોઈ સફળતા મળવાની નથી.