ગુજરાત

જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાના 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થયાનો કોળી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે

સમગ્ર મામલે કોળી સમાજના આગેવાનો આવ્યા મેદાને સમાજ અગ્રણીનો પોલીસ કાર્યવાહી ન કરતાનો આક્ષેપ

રાજકોટના જેતપુરમાં થોડા દિવસ અગાઉ પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. દયાબેન શંભુભાઈ સરિયા નામના મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જે કોન્સ્ટેબલના આપઘાત મુદ્દે કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને ન્યાયની માગ કરી રહ્યાં છે.

મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યાના 6 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થયાનો કોળી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.  અત્રે જણાવીએ કે, 6 દિવસ પહેલા મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરિયાએ આપઘાત કર્યો હતો. આપઘાત કરતાં પહેલાની સમગ્ર ચેટ તેમજ પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા છે. તમામ પુરાવા આપ્યા હોવા છતાં 3 પોલીસ કર્મીઓ સામે કોઇ કાર્યવાહી ન થયાનો આરોપ કરાઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ પરિવાર સાથે મંત્રણા કરી ચૂક્યા છે. આગેવાનોના સનસનીખેજ આક્ષેપો બાદ પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. પોલીસ કાર્યવાહી ન કરે તો ઉપવાસ પર ઉતરવાની પણ કોળી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે.

ઠાકોર કોળી સેના પ્રમુખ જયેશ ઠાકોરએ જણાવ્યું કે, પોલીસને તમામ પુરાવા આપ્યા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ પોલીસ એવું જણાવી રહી છે કે, મોબાઈલ ફોન એફ એસ એલમાં મોકલવામાં આવ્યો છે. FSLના રિપોટ આવ્યા પછી જ કાર્યવાહી કરાશે. વધુમાં જયેશ ઠાકોરએ જણાવ્યું કે, એમે કેટલાક વ્યક્તિ વિરૂદ્ધ પુરાવા પણ આપ્યા છે પરંતુ પોલીસ કાર્યવાહી કરતી નથી.

અત્રે જણાવી દઈએ કે, દયાબેન જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં. જેમણે 6 દિવસ અગાઉ પોલીસ લાઈનમાં આવેલ ક્વાર્ટરમાં પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જે સમગ્ર ઘટનાને પગલે મોબાઈલ ચેટ પણ સામે આવી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button