ગુજરાત સરકાર જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય ક્લાસ-1 અને ક્લાસ-2ના અધિકારીઓને નિવૃત્ત કરી નાખશે.
સમીક્ષા માટે કર્મચારીની કામગીરી અને રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે. જો કામગીરી શંકાસ્પદ ગણાય તો પણ સરકાર કર્મચારીને નિવૃત્ત કરી શકે છે

રાજ્યમાં સરકારી ઓફિસોમાં કર્મચારીઓ કામ ન કરતા હોય તેવી ફરિયાદો ઘણા સમયથી થતી હોય છે. એવામાં ઓફિસોમાં ફાઈલો વધતા કામનું ભારણ વધી જાય છે. જોકે છતાં પેટનું પાણી ન હલતું હોય તેવા અધિકારીઓ સામે સરકાર કાર્યવાહી કરશે. મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત સરકાર જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય ક્લાસ-1 અને ક્લાસ-2ના અધિકારીઓને નિવૃત્ત કરી નાખશે. ઝી 24 કલાકના અહેવાલ મુજબ, સરકાર દ્વારા એક નોટિફિકેસન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 50થી 55 વર્ષના કામ ન કરતા અધિકારીઓને નિવૃત્ત કરવાની સત્તા સરકારને મળી છે. જો કર્મચારીની કામગીરી યોગ્ય ન જણાય અથવા તો કર્મચારી નિષ્ક્રિય જણાય તો સરકાર પાસે તેમને નિવૃત્ત કરવાની સત્તા રહેશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ફેરફાર કરાયો છે. કર્મચારીઓની સેવાની સમીક્ષાના આધારે તેમને નિવૃત્ત કરવાનો નિર્ણય સરકાર પાસે રહેશે.
સમીક્ષા માટે કર્મચારીની કામગીરી અને રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવશે. જો કામગીરી શંકાસ્પદ ગણાય તો પણ સરકાર કર્મચારીને નિવૃત્ત કરી શકે છે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.